પૃષ્ઠ:Snehashristi.pdf/૨૫૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૮:સ્નેહસૃષ્ટિ
 

પણ. પરંતુ સુરેન્દ્ર કોઈ વૃદ્ધ ગરીબ બાઈના મોતિયા કઢાવવા દવાખાને ગયો હોવાથી એણે પૂરતી સહાય આપી નહિ. પરંતુ મધુકરે તો રીહર્સલને દિવસે આઘુંપાછું ન જોતાં સવારથી રાત સુધી ભગીરથ પરિશ્રમ કરી જ્યોત્સ્ના અને શ્રીલતાને સર્વ કાર્યમાં સહાય એવી આપી કે રાત્રે દૃશ્ય શરૂ થયું ત્યારે બન્નેએ તેનો આભાર માની તેને પડદા પાસે એક ખુરશી ઉપર આરામ લેવા આગ્રહ કર્યો.

સુંદર સ્ત્રીઓના આગ્રહને મધુકર નકારી શકતો નહિ. સર્વ વ્યવસ્થા સંપૂર્ણ બની ગઈ. પડદો પાડનાર, ઉઘાડનાર, સીટી વગાડનાર, દૃશ્યોને રંગ અને છાયાતેજ આપનાર, પાત્રોને તેમના મુખપાઠ સંભારી આપનાર, એ સર્વની વ્યવસ્થા કરી મધુકર ‘વિંગ’માં બહારથી કોઈ દેખે નહિ એમ એક ખુરશી ઉપર બેસી ગયો. અને સામી વિંગમાંથી શ્રીલતા તથા મધુકરવાળી વિંગમાંથી જ્યોત્સ્ના બેઠાં બેઠાં અગર ઊભા રહીને પાત્રોને સૂચન આપતાં હતાં.

સિસોટી વાગી; વાદ્યો વાગ્યાં અને વાદ્યસૂર સહ પડદો ઊપડ્યો. આખું વાતાવરણ જાદુઈ શાંતિ ધારણ કરી રહ્યું. વાદ્ય સાથે એક સાખીના સૂર પણ સંભળાયા :

નગર તણા નિર્માણમાં ભલે રાખીએ પ્રીત !
સાચું ભારત ઊઘડતું ગ્રામજનોને સ્મિત !

શહેરના - નગરના પ્રતીક સરખા ભારેમાં ભારે પ્રતિષ્ઠિત રાવબહાદુરના બંગલામાં ગ્રામ્યભારતના ગુણ ગવાયા અને શિક્ષણ તથા સંસ્કારના પ્રતીક સરખી નગરમાં ભણેલી કિશોરીઓ અને યુવતીઓએ ગ્રામજીવનનું એક દૃશ્ય અહીં રજૂ કર્યું.

એ દૃશ્યમાં એક બાજુએ સોહામણા નગરનો ખ્યાલ આપતો પડદો હતો અને બીજી બાજુએ ગ્રામજીવનના પ્રતીક સરખો પડદો કૃષિક્ષેત્રો, ઝૂંપડી, ગોધન, કૂવા અને ખળાંનું દૃશ્ય ખીલવી રહ્યો હતો. ઘડીમાં પ્રકાશ નગરના પડદા ઉપર પડી નગરની ભવ્યતાનો ખ્યાલ આપી બીજી ક્ષણે ગ્રામજીવન ઉપર રંગબેરંગી તેજછાયાઓ નાખી ગ્રામજીવનમાં રહેલા સ્વર્ગને વ્યક્ત કરતો હતો. ચમકભર્યા દૃશ્યને પ્રેક્ષકો જોઈ રહે તે પહેલાં એક માનવટહુકો થયો :

‘સાચું હિંદ શાત લાખ ગામડાંમાં છે.’

ગામડાંમાં કદી પણ ન વસનારે આ મહાવાક્ય ઉપર તાળી પાડવી જ જોઈએ ! અને અહીં પણ ટેવાયેલા પ્રેક્ષકોએ તાળી પાડી.