પૃષ્ઠ:Snehashristi.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અવેતન રંગભૂમિઃ ૨૪૯
 

 એકાએક ગામડિયો પોશાક પહેરેલો યુવક રંગભૂમિ ઉપર નીકળી આવ્યો અને એના ઉપર દૃષ્ટિસંક્રાન્ત થાય તે પહેલાં ગામડિયા વેશ ધારણ કરેલી ગ્રામયુવતી બીજી પાસથી રંગભૂમિ ઉપર દૃષ્ટિગોચર થઈ યુવક કરતાં યુવતી તરફ જતી સહુનું લક્ષ્ય વધારે કેન્દ્રિત થાય છે - પછી એ યુવતી ગામડાની હોય કે શહેરની હોય ! સહુએ તેને ધ્યાનપૂર્વક નિહાળી અને વાદ્યે એક ઝડપી તાલવાળા સૂર ઊભા કર્યા.

પ્રેક્ષકોના ધ્યાનમાંથી સહજ દૂર થયેલા યુવકે પગને થનગનાટ આપ્યો. એટલે સહુએ યુવક તરફ ધ્યાન પરોવ્યું.

યુવકે - એટલે કે યુવકનો સ્વાંગ ધારણ કરનાર યુવતીએ - નૃત્ય આરંભ્યું. નૃત્ય સુંદર હતું. નૃત્ય કરનાર યુવક પાત્ર ઉપર વિધવિધ રંગના પ્રકાશ પણ છવાયા, નૃત્યને નામ આપી શકાય એમ ન હતું. કથ્થક, મણિપુરી, કથ્થકલી કે ભરતનાટ્યમ્‌માંથી એને વિશિષ્ટ એક પણ નામે ઓળખાય એમ ન હતું. છતાં એ નૃત્ય તો હતું જ ! અને નવીન યુગ એ જૂના નૃત્યને માત્ર વળગી રહે એ પણ શક્ય ન જ હોય. એમાં મેળવણી થાય, ભેળવળી થાય. વિકાસ થાય, સંકોચ થાય અને નૂતન રચના પણ થઈ શકે.

નૃત્યને ભલે નામ ન અપાય. જૂની ઢબનાં, પ્રેમ કે આશ્ચર્યનાં વસ્તુઓ હવે નવી દુનિયામાં બદલાવાં પણ જોઈએ. એ ધોરણે આ નૃત્ય નવીન હતું. ગામડાની સામે શહેરના પડદાનું પ્રલોભન હતું. ગામડિયો યુવક એ નગર પડદાને ધારી ધારીને જોઈ રહેતો અને વળી પાછો ગ્રામ પડદાને નિહાળતો. એ બન્ને આકર્ષણની વચ્ચે ઘૂમરી ખાતા. ગામડિયા યુવકનું માનસ દૃશ્યમાન કરતું એ નૃત્ય હતું. શહેર તરફ જવું ? ના, ના, ગ્રામજીવન તરફ જ સત્ય રહેલું છે ! પરંતુ નગરનો વૈભવ, નગરનો શૃંગાર એ બધું ગામડે ક્યાંથી લાવવું ?

આવા કોઈ ભાવનું એ નૃત્ય નિરૂપણ કરતું હતું - પ્રેક્ષકોએ એ ઢબે નૃત્યને સમજવાનું હતું.

એકાએક મૂક નૃત્યની પાછળ સંગીતનું બળ ઉમેરાયું. યુવક જે નૃત્ય કરી રહ્યો હતો તેમાં કેવા ભાવ રહેલા છે એની સ્પષ્ટતા કરતું એક લોકગીત પડદા પાછળથી કોઈ કિન્નરી ગાઈ રહી હતી. યુવકના નૃત્યભાવ એથી બહુ સ્પષ્ટ થયા.

આમ જશું છે તેમ જશું ?
 પગ ડગમગ ડગમગ થાય !
ભર્યાં ભર્યાં આ ખેતરવાડી