પૃષ્ઠ:Snehashristi.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
અવેતન રંગભૂમિઃ ૨૫૧
 

મેલી પિછોડી ને લાંબાંશાં મોળિયાં;
બાવરીશી આંખ ને વાળનાં સિસોળિયાં;
એવો ગમાર નવ ગોતશો - માવડી૦
ચંદાશું મુખડું ને વીજભરી આંખડી;
રણકે રૂપાળા હાથ, ભમ્મરો વાંકડી;
લાજ ને ઘૂમટડે ન ઢાંકશો – માવડી૦
અંધારા ગામડામાં માનવીને આંખ નહિ;
મહેનત મજૂરિયાને ઊડવાની પાંખ નહિ;
ગોરીને ગામડે ન રોકશો - માવડી૦

શ્રોતાવર્ગ એકદમ તાળી પાડી ઊઠ્યો. શ્રોતાઓ સુખપૂર્વક બેઠા હોવાથી તેમને શહેરનાં વખાણ કે ગામડાંનાં વખાણમાં પક્ષપાત હોતો નથી; કલાદૃશ્ય ઉત્તેજક હોય એટલે બસ ! અને રંગભૂમિ ઉપર ગ્રામગોરીઓનું દૃશ્ય પણ રૂપાળું લાગ્યા વગર રહેતું જ નથી. ભાવ ગમે તે હોય; છતાં પગની ઠમક, તાળીઓના તાલ અને દાંડિયાના ખટકાર કોઈ પણ ગીતને ઉત્તેજક બનાવી શકે છે, અને શ્રોતાઓને જાગૃત રાખી શકે છે. સભ્ય સમાજમાં ‘વન્સમોર’ની મના હોવાથી ફરી ગરબાનૃત્યનું આમંત્રણ તો ન અપાયું. પરંતુ એમાં ભાગ લેનારને સંતોષ થાય એટલી તાળીઓ જરૂર પડી. એક દૃશ્ય અને બીજા દૃશ્ય વચ્ચે એક નૃત્ય અને બીજા નૃત્ય વચ્ચે, પ્રકાશ-અંધારાની કલામય રમત યોજકોએ એવી સુંદર રીતે યોજી હતી કે પ્રેક્ષકો વાહ વાહ કહી ઊઠતા. અંધારાં અજવાળાંની ચમક પણ અવેતન રંગભૂમિની ભારે મદદગાર કહી શકાય.

અંધારું જાણે બોલી ઊઠ્યું હોય તેમ એક બાજુએથી ગ્રામયુવકોનો સમૂહ પ્રકાશના વર્તુલમાંથી નીકળી આવ્યો અને પ્રકાશ એ યુવકસમૂહ ઉપર કેન્દ્રિત થયો યુવકોનું ટોળું - એટલે યુવકોના પહેરવેશથી સજ્જ થયેલું કિશોરીઓનું ટોળું - પણ પુરુષશોભન નૃત્ય કરવા લાગ્યું અને તેમની સહાયમાં એક સમૂહસંગીત પણ ફૂટી નીકળ્યું.

બહેનબા !
શહેરની સામે ન જોઈએ.
રૂપાળા મ્હેલ ન્હોય, પંખીનાં પાંજરાં;
આંખમાં ન ઓળખાણ, હૈયાં તો છીછરાં;
શહેરમાં દિલડું ન ખોઈએ - બહેનબા૦