લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮:સ્નેહસૃષ્ટિ
 

અમલદારી…’

‘મા ! અમલદારી તો લેવી જ નથી.’

‘તારા બાપે પણ ન લીધી અને તું પણ નથી લેતો. શું કર્યું એ તો કહે ?’

‘હું શિક્ષક બન્યો.’

‘જાણું છું હું કે તમને કોઈને સાહેબી આવડે જ નહિ. અંતે મહેતાજી થયો ને ? આટલું ભણીને ? છોકરાઓ સલામ કરશે કે પછી ટોપી ઉછાળશે…’

‘છોકરાઓ પણ નહિ. એક છોકરીને ભણાવવાનું છે.’

‘છોકરી ? અને તે એક જ ?’

‘હા, મા ! નિશાળમાં નહિ. કૉલેજમાં એ ભણે છે… એને ઘેર જઈ શીખવવાનું છે.’

‘હશે કોઈ પૈસાપાત્રની દીકરી.’

‘ઘણા પૈસાદાર લાગે છે. રહે છે બંગલામાં. મને મૂકવા પણ કાર મોકલી.’

‘એમ ? ધનિકોની ચિબાવલી છોકરીઓ જોડે ફાવશે તને ?’

માતાની પાસે બેસી સુરેન્દ્ર જરા હસ્યો અને બોલ્યો :

‘ચિબાવલી તો નથી - ધનિક છે તોય !’

‘કોણ હશે એ ?’

એક રાવબહાદુર છે… ગિરિજાપ્રસાદ કરીને. એમની દીકરીને ભણાવવાનું કામ માથે લીધું છે.’

‘ગિરિજપ્રસાદ ?… હં… તારા પિતાને એ ઓળખતા હતા... ભલે !’ વિચાર કરતી માતાએ કહ્યું.

પિતાના ઓળખાણનો ઉપયોગ કરવાની સુરેન્દ્રની જરાય ઈચ્છા ન હતી. એણે વાત બદલી. માતાએ તેને જમાડવાની તજવીજ કરવા માંડી; પરંતુ આજની ઉજાણીએ અને જરા વિચિત્ર અનુભવે તેની ભૂખને અદૃશ્ય કરી દીધી હતી. તે જમ્યો નહિ. સૂવાનો સમય થયો હતો એટલે એક ચટાઈ ઉપર જ સૂતો. પથારીમાં એક કદી સૂતો નહિ; તેને વહેલી નિદ્રા પણ આવતી નહિ. વાચન વગર તે કદી ઊંઘી શકતો જ નહિ. સૂતે સૂતે એક મોટું પુસ્તક હાથમાં લઈ તેણે વાંચવા માંડ્યું.

એ જ સમયે સુરેન્દ્રના નાનકડા મકાનથી થોડે દૂર આવેલા જરા વધારે સારા પરંતુ મધ્યમ સ્થિતિના મકાનમાં સુરેન્દ્રના મિત્ર મધુકરના પિતા એક હિંચકે ઝૂલતા ઝૂલતા વિદ્યુત દીપકને અજવાળે કેટલાક કાગળો