પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૦:સ્નેહસૃષ્ટિ
 

ક્ષણથી હું અને તું રાવબહાદુરથી સ્વતંત્ર ! રાવબહાદુરની મિલકતથી સ્વતંત્ર ! હું તેમનો આભારી ખરો, પરંતુ આશ્રિત નહિ જ !’ મધુકરે કહ્યું. વીરનું વીરત્વ સહુને ગમે… વીરને પોતાને તો ગમે ઘણું જ… અને વીરને પસંદ કરતી યુવતીને એ કેટલું ગમે એ તો કહેવાય જ નહિ !

‘ત્યારે આઠમે દિવસે લગ્નની જાહેરાત થાય છે. મધુકર, હોં !’ કહી જ્યોત્સ્ના મધુકરને એકલો મૂકી એના ખંડમાંથી બહાર નીકળી.

તેજઅંધકારની થોડી ક્ષણ ચાલેલી રમત સિવાય આખું નાટ્ય - આખું રીહર્સલ સંપૂર્ણ રીતે ફતેહમંદ થયું, અને બીજા દિવસની સફળતાની પૂરી આગાહી આપી રહ્યું. સમાપ્તિ પછી જ્યોત્સ્ના અને મધુકર મળ્યાં - અને સહજ એકાંતમાં - ત્યારે જ્યોત્સ્નાએ મધુકરને લગ્ન માટે તૈયાર રહેવાનું કહ્યું એ ચમકાવતી હકીકત તેના ધ્યાનમાં રહી જ જાય ને ?

અને સાચેસાચ મધુકર તો કોઈ પણ ક્ષણે જ્યોત્સ્ના સાથેના લગ્ન માટે તૈયાર જ હતો ! જ્યોત્સ્નાનું છેલ્લું વાક્ય સાંભળીને તેને હર્ષ ઊપજ્યો.

અંધકારનો લાભ લઈ શ્રીલતાએ તેના હાથમાં કરેલાં વીંટીના અને નખના જખમ હજી ચચરતા હતા ખરા. સ્ત્રી પણ જખમ કરી શકે છે ખરી ! હવે ખાતરી કર્યા વગર કોઈ પણ યુવતીના હાથ સાથે હાથ મેળવવાની રમત જતી કરવી જોઈએ ખરી !

જુદો ખંડ તેને રાવબહાદુરના ઘરમાં મળ્યો હતો ખરો તથાપિ તે ખંડનો ઉપયોગ દિવસ માટે જ હતો. રાત્રિ માટે નહિ, એમ તે અને સહુ કોઈ સમજી લેતાં હતાં. રીહર્સલને અંગે અગર એવા કોઈ ખાસ કામને અંગે, કદાચ રાત્રિના દસ અગિયાર બાર વાગતા સુધી એ ખંડનો ઉપયોગ મધુકર કદી કદી કરતો પણ ખરો. પરંતુ સમયસૂચક બનીને એ રાત્રિએ તો સૂવા માટે પોતાને ઘેર જ ચાલ્યો જતો હતો.

મધુકર કારમાં ઘેર આવ્યો; સૂતો, સુખમય સ્વપ્નમાં મશગૂલ રહ્યો અને મોડી સવારે જાગ્યો. એણે જૂનું નાનું ઘર બદલી નાખ્યું હતું. રાવબહાદુરના સેક્રેટરી કરતાં રાવબહાદુરના જમાઈને શોભે એવો બંગલો તેણે થોડા દિવસથી ભાડે લીધો હતો. જીવનનાં પગથિયાં તે ઝડપથી ચડતો જતો હતો. માતાનો તો એ મોંઘો પુત્ર હતો જ, પરંતુ પિતાએ પણ તેને હવે કૈંક માનીતો બનાવ્યો હતો. દેવાનો ચોવીસે કલાક વિચાર કરતા પિતાને હવે બિલ પતાવવાની પંચાત પડતી જ નહિ. પગે ચાલવાને બદલે માતાપિતા કદી કદી કાર પણ વાપરી શકતાં. ઘરને બદલે બંગલો વાપરવાનો હતો. દીકરો ધનિક અને પ્રતિષ્ઠિત સસરાનો જમાઈ થવાનો હતો