પૃષ્ઠ:Snehashristi.pdf/૨૬૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજદારી: ૨૬૧
 

એટલું જ નહિ, પરંતુ લગ્ન થતા બરોબર લાખેક રૂપિયા માતાપિતાના હાથમાં આવી પડવાના હતા એની માતાપિતાને ખાતરી હતી - મધુકરે ખાતરી આપી હતી.

જાગતા બરોબર મધુકર પાસે માતાએ લાવીને નવી ઢબના રકાબીપ્યાલામાં ચાનાસ્તો મૂક્યાં અને પિતાએ પણ સામે બેસી આનંદથી વાતો કરવા માંડી.

‘આ તારા રાવબહાદુર ભારે કંજૂસ લાગે છે.’ પિતાએ કહ્યું.

મોટે ભાગે બન્ને પક્ષના સાસુસસરા અને સગાંવહાલાં ટીકાપાત્ર અવગુણ જ ધરાવતાં હોય છે !

‘શા ઉપરથી ? એમને લીધે તો આપણે આ સાહેબી ભોગવીએ છીએ.’ મધુકરે જવાબ આપ્યો. પિતાના કરતાં પુત્રની ભાવના શ્વસુરપક્ષ માટે વધારે કુમળી રહે છે - વહુ ગમતી હોય ત્યાં સુધી.

‘આવો રાજાના કુંવર જેવો છોકરો જમાઈ તરીકે મળે અને એટલી સગવડ પણ એ ન કરી આપે તો એની મોટાઈને શું દીવાસળી ચાંપવી છે ?’ માતાએ સામા પક્ષની મોટાઈને બાળવાની ઊંચી મોટાઈ દર્શાવી !

સ્ત્રીપુરુષની સમાનતાના આ યુગમાં હજી પણ વરપક્ષ-વહુપક્ષ ઉપર સરસાઈ ભોગવવા ખૂબ મથે છે - વરપક્ષનો સ્ત્રીવર્ગ પણ ! કોઈ પણ પક્ષને ન ગણકારતાં વરકન્યા સ્વયંવર કરી લે છે ત્યારે પણ કન્યા પક્ષ જાણે પોતાનો પરાજય થયો હોય એમ માની જ્વાલામુખી સરખો ધૂંધવાઈ ઊઠે છે - અને વરપક્ષ ફતેહના ડંકા વગાડે છે ! જોકે વરપક્ષની વરે જરાય પરવા ન કરી હોય ! આમ સ્ત્રી કરતાં પુરુષની શ્રેષ્ઠતાનો ભાવ હજી જીવંત છે. ચિત્રોને મહત્ત્વ આપતાં પત્રોના ચિત્રવિભાગ તરફ નજર કરનાર જ્યારે લગ્નમંડપનાં પાન ઉથલાવે છે ત્યારે પૈસા ખર્ચી પત્ની સાથે છબી છપાવ્યાનો લહાવો માણનાર પુરુષની છબી ઉપર ઈડરિયો ગઢ જીત્યાનું ગીત ગુંજી રહ્યું હોય એમ એને સંભળાય છે !

‘આપણે તો નક્કી કર્યું છે ! લાખ રૂપિયા તારા નામના જુદા ન કાઢે અને એ ઠસ્સાદાર રાવબહાદુર અને એમના એથીયે વધારે ઠસ્સાદાર પત્ની અમારે બંનેને પગે પડી આમંત્રણ ન આપે ત્યાં સુધી અમે તારા લગ્નમાં આવનાર નથી.’ પિતાએ પોતાની શરત આગળ કરી. માંગ અને ખપતનો આર્થિક સિદ્ધાંત લગ્નમાં પ્રવર્તતો નથી એમ માનનાર મોટામાં મોટી ભૂલ કરે છે. મધુકર જેવો છોકરો હોય તો પછી લગ્નના બજારમાં એની જેટલી ઊપજે એટલી કિંમત ન મેળવે તો માતાપિતા અવ્યવહારુ જ ગણાવાં