પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૨:સ્નેહસૃષ્ટિ
 

જોઈએ. અને લગ્નની ભાવના પરણનાર યુગલ માટે ગમે એટલા રંગીન પ્રેમપરપોટા ઉરાડે, છતાં ધીર, અનુભવી, કુશળ માતાપિતાને માટે તો એ સીધો વ્યવહાર જ ગણાય.

‘પિતાજી ! એવી તેવી જીદ ન પકડશો અને જેમ થાય છે એમ થવા દો. લગ્ન પછી રાવબહાદુરની બધી જ મિલકત આપણી જ છે ને ?’ મધુકરે પિતાને સમજાવ્યા.

‘એ તો કાંઈ કહેવાય નહિ ! મોટા ઘરની છોકરી. અમારી સાથે ન બન્યું તો ? જો ને ! એનાં માબાપ લગ્નની વાત કરી જાય છે, પરંતુ એ છોકરી અમને મુખ સરખું પણ દેખાડતી નથી…’ માતાએ આ વખતે પતિનો પક્ષ લીધો.

‘અરે, પણ હું છું ને ?’ મધુકરે આશ્વાસન આપ્યું.

‘તારોયે શો ભરોંસો ? કૈંક વહુઘેલા છોકરાઓ માબાપની સેવા છોડી વહુને લેઈ માબાપને ખસતાં મૂકે છે ! અમે તો દુનિયા જોઈ નાખી છે.’ માતાએ જવાબ આપ્યો. લગ્ન સુધી પહોંચેલા પુત્રની સેવા માગવાનો હક્ક માબાપ હજી કર્યે જાય છે ખરાં !

લગ્ન એટલે ? માતાપિતા તથા પત્ની વચ્ચે પુરુષની ખેંચતાણની કોઈ રમત તો નહિ હોય ?

અગર પુરુષની ગરદન ઉપર જતાં અને આવતાં વહેરતી કરવત પણ લગ્ન કેમ ન હોય ? કરવતની એક બાજુ પુરુષનાં માતાપિતાએ પણ ઝાલી હોય છે.

‘મારો આટલો જ ભરોંસો કે ? તમને સુખી કરવા હું આટલું ભણ્યો. હવે કમાઉ છું. તમારી ઈચ્છા વિરુદ્ધ આજ દિન સુધી મેં મારું લગ્ન મુલતવી રાખ્યું. એ બધાનો આવો જ અર્થ કરશો ?’ મધુકરે માતાપિતાની વિનવણી કરી. માતાપિતાની ઇચ્છાને મધુકરે માન્ય કરી હોત તો ભણતાં ભણતાં જ તેનું લગ્ન થઈ ચૂક્યું હોત. પરંતુ મધુકર માતાપિતા કરતાં પણ પોતાની કિંમત વધારે જુદી રીતે આંકતો હતો. તેનું રૂ૫, તેની સફાઈ, તેની ચબરાકી અને તેનું ભણતર માતાપિતાની હડફેટે ચઢેલી ગમે તે છોકરી સાથેના લગ્નમાં વેડફી નાખવા માટે હતાં જ નહિ. એ સર્વ સફાઈની કિંમત મળે એવી હતી - અને તે તેને લેવી પણ હતી ! શા માટે નહિ ! પ્રેમની આસપાસ ઊર્મિનાં રંગબેરંગી વાદળાં ભલે ચિતરાય; અંતે તો એ ચોખ્ખું જાતીય આકર્ષણ જ છે ને ? આંખને ગમે એવી સ્ત્રી પુરુષ શોધે, અને આંખને ગમે એવો પુરુષ સ્ત્રી શોધે; કોઈ પણ સનાતન સત્ય હોય તો તે જ ! આંખને