પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સમજદારીઃ ૨૬૩
 

એક જ સ્ત્રી કે એક જ પુરુષ ગમે એ વાત સદંતર ગલત ! તો પછી ગમતી સ્ત્રીઓમાંથી વધારે ઉપયોગી સ્ત્રી શા માટે પસંદ ન કરવી ?

મધુકરને શ્રીલતા ગમી જ હતી ને ? એ પહેલાં મીનાક્ષી પણ ક્યાં નહોતી ગમી ? બીજી યુવતીઓને ન સંભારે તોપણ ! પરંતુ એ બેમાંથી મધુકરને વિલાયત મોકલી એની કિંમત વધારવાની સગવડ શ્રીલતામાં મળે એમ હતું; એકલી રૂપાળી મીનાક્ષી કરતાં રૂપાળી અને ઉપયોગી શ્રીલતા વધારે જ પસંદ કરવા પાત્ર ગણાય ! અને એ દૃષ્ટિએ તેણે મીનાક્ષી પ્રત્યેનો પ્રેમ ખસેડી શ્રીલતા ઉપર નાખ્યો હતો. એ બની શકે એમ હતું ! લયલા-મજનૂ કે રામ-સીતા સરખાં પ્રેમગૂંદરિયાં તો કવિતા ગાવા માટેના અપવાદો હતા. કૈંકના વિવાહ મળેલા ફોક થાય છે, કૈંકનાં લગ્ન નિર્થક બને છે, અને છતાં એમ માનવું કે પ્રેમ એ વજ્રગ્રંથિ છે, એના સરખું અવાસ્તવિક કથન બીજું હોઈ શકે જ નહિ – મધુકરના મત અનુસાર.

અને તે શ્રીલતા સાથેના સંબંધમાં સિદ્ધ થયું ! શ્રીલતા તેને એક વાર ઘણી ગમી ગઈ હતી; શ્રીલતા ઉપર તેણે કવિતાઓ પણ લખી મોકલી હતી ! એટલું જ નહિ, પ્રેમની અતૂટ છાપ તરીકે મધુકરે શ્રીલતાની અંગુલીએ એક મુદ્રિકા પણ પહેરાવી દીધી હતી ! શ્રીલતા સાથે લગ્ન કરી પરદેશ સાથે જવાની પણ બંનેની તૈયારી હતી. શ્રીલતાનાં માતાપિતાની પણ એમાં સંમતિ હતી.

પરંતુ શ્રીલતાના પિતાને કોઈ મૂર્ખાઈભર્યા વ્યાપારમાં ખોટ આવી એટલે શ્રીલતાની કાર પણ અદૃશ્ય થઈ ગઈ અને વિલાયત સાથે જવાનું લંબાયું… કહો કે અશક્ય બન્યું ! સાથે જવાનું તો ઠીક, પરંતુ મધુકરને એકલાને મોકલવા જેવું સાધન પણ શ્રીલતાના પિતા પાસે રહ્યું નહિ. મધુકર જાતે ધનિક હતો જ નહિ. એ ગરીબ હતો એમ દેખાડવું અગર કહેવડાવવું તેને કદી ગમ્યું ન હતું. છતાં તે ગરીબ માતાપિતાનો પુત્ર હતો. ગરીબી તેને કદી ગમી ન હતી; કુરૂપ, બદસૂરત ગરીબીનો તેને તિરસ્કાર હતો. માનવીની આશા, અભિલાષા, ઈચ્છાને હિમથી બાળી મૂકતી ગરીબી ટાળવા એ ભણ્યો; ભણતે ભણતે ગરીબીને જેટલી દૂર કરી શકાય એટલી એણે દૂર કરી; એનું રૂપ, ચબરાકી તથા ભણતર સરખા ગરીબી સામેના કુદરતી મોરચા તેની તરફેણમાં હતા. પ્રેમને બહાને શ્રીલતાને પરણી ગરીબી વહોરવાની તેની તૈયારી હતી જ નહિ, એને પ્રેમ પણ એવો જોઈતો હતો કે જે તેને ગરીબીમાંથી ઊંચો લાવે. ગરીબીનાં ગલિચ ખાબોચિયાં ઉલેચાવતા પ્રેમની તેને જરાય જરૂર ન હતી. એણે શ્રીલતાને