પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬૪:સ્નેહસૃષ્ટિ
 

ખસેડી નાખી - અગર એ શ્રીલતાથી ખસતો રહ્યો.

એના જ વર્તુળમાં જ્યોત્સ્ના સરખી એક યુવતી હતી. રૂપમાં શ્રીલતા અને મીનાક્ષીની જાણે જોડ ! મીનાક્ષી તો સહજ નીચી પણ ખરી; પરંતુ શ્રીલતાની દેહઘટામાં ઊંચાઈનું તત્ત્વ હતું ! જ્યોત્સ્ના પણ એવી જ ઊંચી અને ભણવામાં પણ એટલી જ આગળ. દૂરથી શ્રીલતા અને જ્યોત્સ્ના સાથે આવતાં હોય તો ક્ષણભર કોણ જ્યોત્સ્ના અને કોણ શ્રીલતા હશે એ કહેવું મુશ્કેલ થઈ પડતું. અને એવી જ મુશ્કેલીમાંથી એને જ્યોસ્ત્ના જડી હતી. સિનેમામાં ઘણું ઘણું બને છે તેમ એક વખત એમ બન્યું કે ઝાંખા પ્રકાશમાં જ્યોત્સ્ના એકલી ઊભી હતી; એનું મુખ બીજી પાસ હતું. મધુકરે તેને અચૂક શ્રીલતા ધારી ધીમેથી તેની પાછળ જઈને તેને ખભે હાથ મૂક્યો ! જ્યોત્સ્નાએ મુખ ફેરવ્યું અને મધુકર દેખાયો !

‘બહુ દિલગીર છું જ્યોત્સ્ના ! હું જાણું છું તને કોઈ અડકે તે ગમતું નથી. પરંતુ મેં તને શ્રીલતા ધારી… આબેહૂબ શ્રીલતાનો જ જાણે દેહ ! માફ કરજે.’ મધુકરે માફી માગી હતી અને જ્યોત્સ્નાએ સહેજ સ્મિતપૂર્વક માફી આપી પણ હતી ! પ્રેમીઓની ઘણી ઘણી ઘેલછા માફીને પાત્ર હોય છે.

‘કાંઈ નહિ… હું પણ શ્રીલતાની જ અહીં રાહ જોઉ છું… આ… પેલી શ્રીલતા આવે… તું કહેજે, મેં સહુની ટિકિટ લીધી છે…’ કહી જ્યોત્સ્ના ત્યાંથી ચાલી ગઈ હતી.

ત્યારથી ઘણીવાર સરખી દેખાતી શ્રીલતા અને જ્યોત્સ્નાની તે સરખામણી પણ મનમાં કરતો. પરંતુ કેટલાય સમય સુધી એનાં હૃદયે શ્રીલતામાં વધારે આવકારદાયક લક્ષણો નિહાળ્યાં. જ્યોત્સ્ના બિલકુલ ઠંડી, મીંઢી પાર ન પામવા દે એવી, ઊર્મિને આકર્ષી ન શકે એવી, જબરી અરૂપાળી પૂતળી સરખી બની રહેતી; જ્યારે શ્રીલતા સતત હસતી, બોલતી, વસ્ત્રવૈવિધ્ય પ્રવીણ, ઊર્મિને સતત ઉછાળે ચઢાવતી જીવતી જાગતી રૂપપૂતળી હતી. પ્રથમ દર્શને શ્રીલતા જ આકર્ષી શકે. જ્યાં સુધી શ્રીલતાની કૌટુંબિક ઉન્નતિ જાજ્વલ્ય હતી ત્યાં સુધી મધુકરનો પ્રેમ શ્રીલતાને જ પકડી રહ્યો. પરંતુ શ્રીલતાનાં લક્ષણોમાંથી તેની મોહક ‘કાર’ અદૃશ્ય થતી લાગી ત્યારથી શ્રીલતામાં નવાં અનાકર્ષક વલણો મધુકરને દેખાવા લાગ્યાં હતું. એની હાસ્યવૃત્તિમાં અછકલાપણું તેને દેખાયું; એના બોલકણા સ્વભાવમાં મધુકરને ચિબાવલાશ નજરે પડતી ચાલી; એની રંગીત વસ્ત્રપ્રિયતામાં ઊડતાં પતંગિયાં તેને દૃષ્ટિગોચર થયાં અને એના