પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્ન તરફ પગલાંઃ ૨૬૯
 

એ મુકરર થયા પછી પિતાની લાખ રૂપિયાની માગણીનો વેગ વધારવો. એ માગણી સફળ થાય તો ઠીક, અને ન સફળ થાય તો પિતામાતાને હડસેલીને પણ જ્યોત્સ્નાના પ્રેમ ખાતર લગ્ન કરી નાખ્યું એવું વાતાવરણ જરૂર ફેલાવવું, અને લગ્ન થયા પછી જ જ્યોત્સ્નાને રમાડી, જ્યોત્સ્નાનાં માતાપિતાને રીઝવી; લાખ કરતાં પણ વધારે રૂપિયાની મિલકત રાવબહાદુરના અવ્યવસ્થિત વ્યવહારમાંથી ઉઠાવવી એમાં મધુકરને જરાય મુશ્કેલી પડે એમ ન હતું. પિતાની ચમકાવનારી સૂચનામાંથી એનો માર્ગ હવે વધારે સ્પષ્ટ થયો, અને માતાપિતાને તેમની માગણી સંબંધમાં બને એટલું કરવા સમજાવી તે આરામથી બેઠો. દિવાનિદ્રામાં તેને જ્યોત્સ્ના સાથેનાં લગ્નનાં શમણાં પણ આવી ચૂક્યાં અને જ્યોત્સ્નાના બે લાખના અલંકારો પણ તેના હાથમાં આવી ચૂક્યાં !

સમય થતાં મધુકર રાવબહાદુરને ત્યાં પોતાની ફરજ બજાવવા માટે સજ્જ થઈ ચાલી નીકળ્યો. લગ્ન સુધી તો તે નોકર જ હતો ને ? રાવબહાદુરને ત્યાં આવતાં બરોબર તેણે જોયું કે રાવબહાદુર અને યશોદાબહેન બંનેનાં મોં ચઢેલાં હતાં - જોકે જ્યોત્સ્નાનું મુખ અને એનું હલનચલન અણધાર્યો આનંદ વ્યક્ત કરતાં હતાં. પોતાના કામમાં મશગૂલ રહ્યાનો દેખાવ કરી શકતા મધુકરે જોયું કે તેની ખુરશી પાસે રાવબહાદુર આવી ઊભા છે. મધુકર એકાએક ઊભો થયો અને તેણે પૂછ્યું :

‘આપ કેમ પધાર્યા ? મને બોલાવવો હતો ને ?’

‘આટલો આ નમૂનો વાંચી લો.’ રાવબહાદુરે તેના હાથમાં લખેલો કાગળ મૂકી દીધો. ધબકતે હૃદયે તેણે એ લખાણ વાંચ્યું. એમાં મધુકર સાથે જ્યોત્સ્નાના લગ્નની જાહેરાત તથા લગ્નમાં આમંત્રણ આપતી કુમકુમ પત્રિકા હતી. મધુકર આનંદિત થયો અને રાવબહાદુરના હાથમાં એ લખાણ પાછું મૂકી તેણે કહ્યું :

‘જી, આભાર માનું છું !’

‘મારી સામે જુઓ. એકલો આભાર માનવાનો નથી. હું જ્યોત્સ્નાને કે તમને વેચાણમાં મૂકવા માગતો નથી. એ શરત કબૂલ હોય તો આ કંકોતરી તમને યોગ્ય લાગે એ રીતે તમે છપાવો. એમ કબૂલ ન હોય અને તમારા પિતાની ઈચ્છા પ્રમાણે તમારે ચાલવું હોય, તો આ કાગળ હું ફાડી નાખું છું.’ રાવબહાદુરે કહ્યું.

‘સાહેબ ! એને ફાડી નાખવાની જરાય જરૂર નથી. આપ મને