પૃષ્ઠ:Snehashristi.pdf/૨૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૦:સ્નેહસૃષ્ટિ
 

ઓળખો છો; યશોદાબહેન મને ઓળખે છે અને જ્યોત્સ્ના પણ મને ઓળખે છે. આપની સંમતિ પામેલું લખાણ કદી ફાટી શકે નહિ. એ હવે છપાશે જ.’ કહી મધુકરે રાવબહાદુરના હાથમાંથી કુમકુમપત્રિકાનો નમૂનો લઈ લીધો.

‘મધુકર ! એટલું ધ્યાનમાં રાખજો કે તમારા પિતાશ્રી એમની માગણી બાબતમાં જીદ કરશે તો હું તેમનું સાંભળીશ નહિ.’ રાવબહાદુરે કહ્યું.

‘આપ એમના કાગળો આવે તે વાંચશો જ નહિ અને મને સોંપી દેશો.’ મધુકરે કહ્યું.

‘છેલ્લે દિવસે આવીને કંઈ તોફાન ન કરે.’ રાવબહાદુરે કહ્યું.

‘વારુ.’

‘લગ્નને દિવસે બધા આવ્યા હોય અને તે ક્ષણે મને નીચું જોયા સરખું કંઈ પણ થાય એ હું જરા પણ ચલાવી લઈશ નહિ.’

‘હું આપની મૂંઝવણ સમજી શકું છું. બનતાં સુધી લગ્નને દિવસે મારાં માતા અગર પિતા કોઈ હાજરી ન આપે એમ હું જરૂર કરીશ.’ મધુકરે કહ્યું.

‘હું તમને એટલે બધે સુધી સખત થવા કહેતો નથી. પરંતુ લગ્નનો દેખાવ જરા પણ બગડે એવું હું ન જ ઇચ્છું… અને હવે તમે પણ જોઈ શક્યા હશો કે આ લગ્નનો સમારંભ કેવો હોઈ શકે !’

‘હા, જી. અને જેમ એમાં આપને પણ શરમાવું ન પડે તેમ મારે પણ શરમાવું ન પડે એમ જોવાની મને પણ ઈચ્છા રહે છે.’ મધુકરે કહ્યું.

‘મને ઘણી વાર તમારે માટે ઊંડું દર્દ થાય છે ! તમે બહુ ખોટી જગાએ જન્મ્યા’

‘હું જાણું છું. એમાં મારો ઈલાજ નથી. આપના સંબંધથી ઘણું ઘણું સુધરી જશે એવી મને ખાતરી છે… અને લગ્ન પછી મારાં માતાપિતા તરફથી જ્યોત્સ્નાને તલપૂર પણ દુઃખ ન પડે એવી બાંયધરી હું આપને આપું છું. અને યશોદાબહેનને પણ આપું છું. જ્યોત્સ્નાને તો આ બાબતની… કદાચ… ખબર નહિ જ હોય !’ મધુકરે પોતાની દીર્ઘદૃષ્ટિનું દર્શન કરાવ્યું.

‘જ્યોત્સ્ના જાણે છે. મારે જ એને કહેવું પડ્યું. હું ઉદાર મતવાદી છું એટલે દીકરીને સંપૂર્ણ ખ્યાલ આપ્યા વગર લગ્ન કરાવવા ઈચ્છતો નથી.’

‘જ્યોત્સ્નાએ કંઈ કહ્યું ? એનો શો મત છે ?’ મધુકરે પૂછ્યું.