પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૭૨:સ્નેહસૃષ્ટિ
 


‘છાપવા માટે જ લખાઈ છે.’

‘તારો અને મારો “ફોટોગ્રાફ" એમાં આપીશું ?’

‘ના ના; એ તો બહુ હલકું લાગે છે.’

‘એમાં હલકું શું ?’

‘લગ્ન પહેલાં નહિ. લગ્ન પછી તારી ઈચ્છા હોય તો કોઈ ચિત્રપત્રમાં છબીઓ આપજે. પુરુષોને પોતાનાં લગ્ન દિગ્વિજય સરખાં લાગે છે એ હું જાણું છું.’

‘અને સ્ત્રીઓને પોતાનાં લગ્ન જાણે ગમતાં નહિ હોય ! એમ ?’

‘ગમે જરૂર. પરંતુ હજી સ્ત્રીઓ પતિ સાથે છબી પડાવતી વખતે શરમાતી, દબાતી પરાશ્રયી જેવી જ મને દેખાયા કરે છે.’

‘મને ડર લાગે છે કે લગ્ન પછી તું મારી સાષ્ટાંગ પ્રમાણ કરતી છબી પડાવ્યા વિના રહેવાની નથી !’

‘એમ પણ બને. તારી એ પણ તૈયારી છે એ હું ક્યાં નથી જાણતી ?’ હસીને જ્યોત્સ્ના બોલી.

‘હવે ચાલ. મારી સાથે આવવું છે ? આપણે બન્ને સરસ કાર્ડઝ પસંદ કરી કોઈ અવનવા છાપખાનામાં આ પત્રિકા છપાવીએ.’

‘ભલે, ચાલ, હું સાથે આવું.’ કહી જ્યોત્સ્નાએ વાંચન પડતું મૂકી મધુકરની સાથે જવાની તૈયારી કરી. જ્યોત્સ્નાની સ્વભાવશીતળતા અને સ્વભાવવિચિત્રતાનાં વિધવિધ સ્વરૂપો જોઈ, કદી કદી નારાજ અને નિરાશ થતો મધુકર જ્યોત્સ્નાની આવી ઝડપી સંમતિ સાંભળી આનંદમાં આવી ગયો.

પત્રિકાનાં કાગળ અને પરબીડિયાં સુંદરમાં સુંદર - એટલે કે મોંઘામાં મોંઘા મધુકરે પસંદ કર્યા અને એક સારામાં સારા છાપખાનામાં તેનું સફાઈદાર છાપકામ કરવાનો પણ તેણે હુકમ આપ્યો. રાવબહાદુરના ભાવિ જમાઈના હુકમો ઝડપથી પળાયા, અને રાવબહાદુરની દીકરી જ્યોત્સ્નાની તેની ઉપર મહોરછાપ પણ વાગી. એ જ દિવસે ગામમાં વાતો પણ ચાલી કે રાવબહાદુરે મધુકર સાથે પોતાની પુત્રીનું લગ્ન નક્કી પણ કરી દીધું છે. ઘણા લોકો રાજી થયા નહિ. રાવબહાદુરની કક્ષાના કેટલાય ધનિકો પોતાના પુત્રો માટે રાવબહાદુરની પુત્રીની આશા રાખી રહ્યા હતા; તે સર્વને એમ લાગ્યું કે રાવબહાદુરે મોટી ભૂલ કરી છે. માનવીની સમાનતાનો સિદ્ધાંત ભલે ખરો હોય; છતાં એ સિદ્ધાંતના અમલમાં બહુ જ