પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
લગ્ન તરફ પગલાં: ૨૦૩
 

ડહાપણભરી રીતે વિચાર કરવો પડે છે. આપણા નેતાઓ અને પ્રધાનો માનવી માનવી વચ્ચેની એકતા સંબંધમાં કેટલો ભાર મૂકીને વાત કરે છે ! છતાં તેઓ ફરે છે વિમાનમાં રહે છે મહેલોમાં અને પોતાના સંરક્ષણ માટે પોશાકવાળા અને બિનપોશાકી રક્ષકોથી ક્યાં વીંટળાયેલા હોતા નથી ?

કેટલાકને નૈતિક દૃષ્ટિએ આવાં લગ્ન ગમ્યાં નહિ. ચબરાક જુવાનોને શિક્ષકો તરીકે, મિત્રો તરીકે અગર મંત્રી તરીકે રાખવામાં ધનિકોની દીકરીઓને માથે ઘણું જોખમ તોળાય છે એમ એ વર્ગનો મત હતો. પલટાતી દુનિયામાં યુવાનોનાં સ્થાન માટે આ વર્ગને સારા પ્રમાણમાં ચિંતા થઈ.

જ્યોત્ત્સ્નાના ભણેલાગણેલા જે મિત્રો મૈત્રીમાંથી પતિપદ મેળવવાની ઊંડે ઊંડે વાસના સેવી રહ્યા હતા તેમને પણ મધુકર સાથેનું જ્યોત્સ્નાનું લગ્ન રુચ્યું નહિ... મધુકર કરતા પોતાની લાયકાત વધારે માનીને !

છતાં રાવબહાદુરને સાંજ સુધીમાં તો ઘણા ટેલિફોન-સંદેશા મળ્યા. આછી પાતળી શિખામણ પણ મળી અને અભિનંદન પણ અપાયાં. શિખામણ આપનારને તો રાવબહાદુરનો એક જ જવાબ હતો :

‘જ્યોત્સ્નાની પસંદગી હોય ત્યાં મારાથી કેમ કરીને વચ્ચે પડાય ?’

‘પરંતુ મને તો કહેવામાં આવ્યું કે એમાં તો તમારો વિશેષ આગ્રહ હતો. રાવબહાદુર !’ કોઈ મિત્રે વાતચીત લંબાવી.

‘શી વાત કરો છો ? એવું કહેનાર મારા ઉદાર મતને પારખી શકતાં નથી.’

આમ સાંજ પહેલાં આખા નગરે વાત જાણી કે પાંચ-સાત દિવસમાં મધુકર અને જ્યોત્સ્નાનું લગ્ન થઈ જવાનું છે. મધુકરને પણ અનેક અભિનંદનો મળ્યાં અને જ્યોત્સ્નાને પણ મળ્યાં. સાંજે તો જ્યોત્સ્ના તેની બહેનપણીઓના ફોનમાંથી બિલકુલ નવરી પડી નહિ. રાત્રે ઘેર જતી વખતે મધુકર તેને મળવા આવ્યો ત્યારે પણ જ્યોત્સ્ના કોઈ સખીની સાથે ફોનમાં અણધારી ઉત્સુકતાથી વાત કરતી હતી અને હસતી હતી !

‘કોને ફોન કરે છે ?’ મધુકરે પૂછ્યું.

‘શ્રીલતાને.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘શ્રીલતાને ? એણે પણ સમાચાર સાંભળ્યા કે શું?’

‘હા.'