લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦
 
મધુકરનાં લગ્ન
 

આમ લગ્નનો દિવસ પણ આવી ચૂક્યો. વચમાં મધુકરનાં માતા-પિતાએ પુત્રની લગ્નખંડણી પેટે એક લાખ રૂપિયા મેળવવા બહુ ધાંધળ કર્યું હતું - માત્ર કાગળો જ લખીને નહિ, પરંતુ રાવબહાદુર અને યશોદાબહેન પાસે આવી તેમણે કલ્પી ન હોય એવી ધમાલ મચાવીને. પરંતુ મધુકરે આખી બાજી સાચવી લીધી, અને પોતાનાં માતાપિતાને પોતાના લગ્નમાં હાજરી ન આપી શકે એ ઢબે એ પરગામ મોકલી શક્યો હતો. રાવબહાદુરે તેને વપરાશ માટે એક સ્વતંત્ર કાર પણ આપી હતી એટલે એણે એના પોતાના લગ્નની વ્યવસ્થા ઝડપથી કરી લીધી હતી, અને લગ્નમાં માતાપિતાની હાજરીની આવશ્યકતા તેણે ટાળી કાઢી હતી. મિત્રો અને પરિચિતોને તો એ બોલાવે એ સ્વાભાવિક જ હતું. અને ઘસાતા સગપણના આ યુગમાં જે સગાંવહાલાં મિત્રવર્તુળમાં આવી શકતાં નથી તેમને બીજું કશું સ્થાન હોતું નથી એ જાણીતી વાત છે. મધુકરને પોતાનો પક્ષ કે પક્ષગૌરવ હતાં જ નહિ. જ્યોત્સ્ના સાથેનું લગ્ન એ જ એનું ગૌરવ. અને રાવબહાદુર અને યશોદાબહેન એ બે જ એનો પક્ષ ! અને તે પણ પૂરતો હતો. લગ્ન પહેલા એકાદ કલાક આગળથી મિત્રો સાથે આવી તેને ચોરીમાં સ્થાન લેવાનું હતું અને લગ્ન થઈ ગયા પછી પરિચિત વ્યક્તિઓનાં અભિનંદન કે ભેટ તેમણે લેવાનાં હતાં - જે તેના તરફથી લેવા માટે કેટલાય મિત્રો ઠીક ઠીક તૈયાર હતા પણ ખરા.

લગ્નમાં વરપક્ષ કરતાં કન્યાપક્ષ ઉપર વધારે ભારણ હોય છે. રાવબહાદુર સઘન હતા એટલે નવી અને જૂની બન્ને ઢબનાં ખર્ચ કરવાની તેમને સ્વાભાવિક રીતે ઇચ્છા હોય. લગ્નવિધિ જૂની ઢબનો બ્રાહ્મણોના મંત્ર અને શ્લોકોચ્ચાર સાથેનો કરવાનો હતો. લગ્નમાં - આજના લગ્નમાં સગાંવહાલાં કે સખીઓ બહુ ગીત ગાવામાં માનતાં નથી, છતાં યશોદાબહેને જ્યોત્સ્નાની કેટલીય સખીઓને ગીત ગાવા માટે સમજાવી, પટાવી, ધમકાવી તૈયાર કરી રાખી હતી. લગ્નપ્રસંગે જ્યોત્સ્નાએ કયાં