પોતાનામાં ઘેલી બનાવે. એમાંથી લગ્ન સરજાય. અને લગ્નમાંથી તેને અખૂટ ધન વાપરવાનું મળે. મધુકર જે માગતો હતો તે મળ્યું. ઈશ્વરનો તેણે જરા આભાર પણ માન્યો. જેના પાસા દુનિયામાં પોબાર પડે છે તેમને ઈશ્વર અને ઈશ્વરની કૃપા વહેલા દેખાય છે. અને જોકે તેણે ઈશ્વરનો કોઈ વાર આભાર માન્યો ખરો, છતાં આભાર માનતી વખતે તે ભૂલી શક્યો નહિ કે એની પોતાની પાત્રતા પણ એના ભાવિને રચી રહી હતી !
ત્રણચાર કાર ભરીને મિત્રો સાથે મધુકર વરરાજા બની રાવબહાદુરને બંગલે આવ્યો. કેટલીક સ્ત્રીઓને લગ્ન પ્રસંગે જૂના રીતરિવાજ પાળવાનો જોરદાર અભરખો થઈ આવે છે. યશોદાબહેને માનીતા વરરાજાને પોંખવાની વિધિ પણ કરી, ઘૂમટો તાણેલી કન્યાની આંખ ઉપર દૂરના બહુ વર્ષે શોધી કાઢેલા મામાની પાસે આંખ મીંચાવી વર પાસે લાવી વરના પગે ચૂંટી પણ ખણાવી. અને હાસ્યની તથા રુદનની છોળો પણ ઉરાડી. વહાલી અને એકની એક દીકરી પરણાવ્યાથી પારકી થાય છે એનું યશોદાબહેનને ધોરણ પ્રમાણે દુઃખ થયું. છતાં એ પતિ રાવબહાદુરનું ઘર મૂકીને જ્યોત્સ્નાને બહુ દૂર લઈ જશે નહિ અને કદાચ તે પોતે પણ રાવબહાદુરના જ ઘરમાં રહી જશે, એવી શક્યતા વિચારી તેણે પોતાના દુઃખને બહુ હળવું બનાવી દીધું હતું. એટલે તે ધારે તે દિવસે હસી પણ શકતાં હતાં.
કહ્યાગરી દીકરીએ પણ તે દિવસે માતાની ઈચ્છા પ્રમાણે વસ્ત્રાલંકારો નખશિખ ધારણ કર્યા હતાં, અને સાદાઈ પૂરતું લગ્નશોભિત પાનેતર પણ કિંમતી અને રેશમી હતું. વળી આવી ભણેલી ગણેલી દીકરીએ પાનેતરનો ઘૂમટો ખેંચી માતાપિતાની આર્યભાવનાને સંતોષવા તત્પર હતી એથી યશોદાબહેનને સંપૂર્ણ માનસિક સુખ પ્રાપ્ત થઈ ગયું. મોતી અને હીરાજડિત મૉડ ધારણ કરી પોતાના મુખને ગૂંગળાવવાની એકબે વખત ના પાડી ચૂકેલી પુત્રી અંતે મૉડ પહેરવાને પણ તત્પર થઈ એમાં યશોદાબહેનને પોતાની પવિત્ર, જુનવાણી રીતનો વિજય થતો દેખાયો.
વરરાજા. આવીને ચૉરીમાં બેસી ગયા. તેમનાથી થોડે દૂર શમિયાણામાં અસંખ્ય મહેમાનો ભેગા થયા હતા, જેમને આઇસક્રીમથી તેમ જ ગીતનૃત્યથી રીઝવવામાં આવતા હતા. રાવબહાદુર આમ તો પોતાને સુધારક કહેવડાવતા હતા, છતાં આનંદના પ્રસંગોએ ગીતનૃત્યનો બાધ લે એવું સુગાળવું સુધારાપણું એમણે કદી ધારણ કર્યું ન હતું. નૃત્ય વખતે નર્તકી કલાની અધિષ્ઠાત્રી બની જાય છે એમ તેઓ માનતા, અને કલાને