પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધુકરનાં લગ્નઃ ૨૭૯
 

પોષવા જેટલું ઉદારચિત્ત સુધારામાં ખીલવવું જોઈએ એવી પણ તેમની માન્યતા હતી. એટલે આવે પ્રસંગે બેત્રણ સારા ગવૈયા અને બેત્રણ સારી નર્તકીઓ લગ્નોત્સવમાં આનંદવૃદ્ધિ માટે તેઓ લાવ્યા હતા.

આમ માનવંતા મહેમાનો - સ્ત્રીઓ અને પુરુષો આઇસક્રીમમાં અને નર્તકીની કલામાં મશગૂલ હતાં. લગ્નનું પવિત્ર કાર્ય કરાવનાર બ્રાહ્મણો હોમહવન, મંત્રોચ્ચાર અને મંગલાચરણમાં મશગૂલ હતા; અને સગાંવહાલાંમાં ગણાતી સ્ત્રીઓ અરસપરસના વસ્ત્રાલંકારો જોવામાં અને પોતાના વસ્ત્રાલંકારો સાથે બીજાની સરખામણી કરવામાં રોકાયેલી હતી. કન્યાની સખીઓ કન્યાને લાવી ક્યારની ચોરીમાં બેસાડી ગઈ હતી, પરંતુ તેનો ખ્યાલ બહુ થોડાને રહ્યો હતો. કન્યાના હસ્તમેળાપ પણ થયા. સાવધાનની બ્રાહ્મણબૂમો પણ ઠીક ઠીક પડી; મુખ્ય પુરોહિતે હસ્તમેળાપ થયેલા હાથમાંથી દર્ભ ખેંચી લીધો. તાળીઓ પડી, વાજાં વાગી ઊઠ્યાં. અક્ષત, કુમકુમ અને પુષ્પનો વર-કન્યા ઉપર વરસાદ વરસ્યો. યશોદાબહેને આંખ ઉપર પોતાના અમ્મરનો કસબી છેડો નાખી માતાને યોગ્ય આંસુ આપ્યાં, અને મહેમાનોમાં પણ તાલીનાદ ફેલાઈ ગયો. રાવબહાદુર પણ પુત્રીમાંથી પત્ની બનેલ કન્યાનો વિચાર કરી સહજ વિહ્વલ બન્યા. પરંતુ તેઓ પુરુષ હોવાથી કન્યાદાન આપતી વખતે પોતાના હૃદયને વધારે સખત બનાવી શક્યા.

હાજર રહેલા સર્વે મહેમાનોને હાર પહેરાવવાનો. અત્તરગુલાબ આપવાનો અને ભેટ આપી શકતા મહેમાનોની ભેટ લેવાનો વિધિ શરૂ કરવા માટેની હવે તૈયારી શરૂ થઈ. પરંતુ હાથ પકડી રહેલ વરકન્યામાં કાંઈ આકસ્મિક અસ્થિરતા ઊપજતી હોય એમ દેખાયું. પ્રેમી વરકન્યા હસ્તમેળાપ વખતે ઠીકઠીક સ્પર્શ-રમત કરી શકે છે. જે રમત કન્યાદાન દેનાર માતાપિતા પણ જાણી શકતાં નથી અને લગ્નવિધિ કરાવનાર બ્રાહ્મણો પણ જાણી શકતા નથી ! કદાચ ચૉરીનો અગ્નિ પણ એ રમતથી અજ્ઞાત હોય ! એનું જ્ઞાન પરિણીત યુગલને જ થાય છે. એ રમતની અલૌકિક ક્ષણ જીવનમાં ફરી આવતી નથી.

વરકન્યાની આ હસ્તમેળાપ રમત ઠીકઠીક ચાલી, પરંતુ આ બધા ઘોંઘાટમાં મધુકરથી સિસકારો ઉચ્ચારાઈ ગયો એનું કોઈને ભાન રહ્યું નહિ. સિસકારો તો કદાચ ન સંભળાય ! પરંતુ મધુકરના શબ્દો સાંભળતાં આસપાસના લોકોનું ધ્યાન વરકન્યા તરફ ખેંચાયું ખરું. સિસકારો બોલાવી રહીને મધુકરે એકાએક કહ્યું :