પૃષ્ઠ:Snehashristi.pdf/૨૮૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધુકરનાં લગ્ન: ૨૮૧
 

એ તું સમજી લેજે. હું જગતને જાહેર કરી શકીશ કે મેં તો મને છેતરનારને જ છેતર્યો છે.’

છેલ્લે પાટલે જઈ બેઠેલી શ્રીલતાને વધારે શું કહેવું તેની મધુકરને સમજ પડી નહિ. ઊભા થઈ ગયેલા લોકોને ખબર પડી કે મધુકરની સાથે રાવબહાદુરની દીકરી જ્યોત્સ્ના નહિ પણ જ્યોત્સ્નાની કોઈ બહેનપણી શ્રીલતા પરણી ગઈ છે. સહુએ ત્યાંથી ખસવા માંડ્યું અને જોતજોતામાં મંડપ ખાલી થઈ ગયો. મધુકર પણ ત્યાંથી ખસવાની તૈયારી કરતો હતો. તેનો હાથ પકડી શ્રીલતાએ પૂછ્યું :

‘મધુકર ! આમ તો આપણાં લગ્ન થઈ ચૂક્યાં. તારું વચન તેં તો ન જ પાળ્યું. પરંતુ એ પાળવાની ફરજ મેં તને પાડી છે. હવે કહે, શું કરવું છે ? લગ્નનો સ્વીકાર કે અસ્વીકાર ?’

‘શ્રીલતા ! મને આજની રાત વિચાર કરી જોવા દે. મને કાંઈ સમજ પડતી નથી. તેં મને હરાવ્યો. હું સવારે તને મારો નિશ્ચય જણાવીશ !’ મધુકરે કહ્યું.

મધુકરના મુખ ઉપર ખરેખર અત્યારે ગભરાટ લાગતો હતો. ભારે ચબરાકીમાં કદી અસ્વસ્થ ન બનેલો મધુકર આજે અતિશય અસ્વસ્થતા ભોગવી રહ્યો.

‘વારુ, એક રાતની મુદત આપું છું. તારે લગ્ન ન સ્વીકારવું હોય તો તેમ કહી દેજે, હું તેથી આપઘાત કરવાની નથી. તું ના પાડીશ તો અદાલતમાં છૂટાછેડા મેળવતાં મને વધારે અનુકૂળતા મળશે. બાય. બાય ! ટા, ટા!’ કહી શ્રીલતા ચોરી અને લગ્નમંડપમાંથી ખસી રાવબહાદુરના ઘરમાં ચાલી ગઈ.

અને રાવબહાદુર તથા યશોદાબહેન ઘેલાં જેવાં બની પૂછવા લાગ્યાં :

‘પણ જયોત્સ્ના ક્યાં ?’