લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મધ્યમ વર્ગનાં ગૃહ:૨૧
 

ભાવે બોલવાની શરૂઆત કરી :

‘પપા ! માફ કરજો. હું જાણું છું હજી સુધી હું આપના ઉપર ભારણ રૂ૫ છું તે !… મેં ક્યારનીયે નાની નોકરી લેઈ લીધી હોત અને મારા પગ ઉપર ઊભો રહેતો બની ગયો હતો… પણ મારે વિલાયત-અમેરિકા જવું છે. ઊંચી પરીક્ષા પસાર કરવી છે. અને સારી કમાણી કરી તમને શોભા આપવી… કપડાં સારાં ન પહેરું, આજની ઢબે રહું નહિ, તો મને ઊભો પણ કોણ રાખે ?… મારે કાંઈ કારકુન કે શિક્ષક બનવું નથી. પછી તો…’

પુત્રના અસરકારક ભાષણને માતા સાંભળી રહી હતી તે વચમાં જ બોલી ઊઠી :

‘ના રે દીકરા ! તારું બહેતર થતું હોય તે બધું જ કરજે. અમે વળી થોડા દિવસ દુઃખ વેઠી લઈશું. એમાં શું ?’

પરંતુ પિતાના હૃદય ઉપર પુત્રના ભાષણની જુદી જ અસર થઈ. તેમણે તો કહ્યું :

‘હું તો હવે પૈસાની બાબતમાં છેલ્લે કિનારે આવી ગયો છું. વિલાયત જ્યારે તું જાય ત્યારે ખરું. પરંતુ આ ખર્ચ હવે મારાથી ન ઊપડે. મારો ધંધો અને મારું શરીર હવે ચાલતાં નથી.’

‘લો ! છોકરાને આવું સારું ભણાવ્યા પછી હવે થાકો છો ? એને માટે કહો તો હું એક ઘરેણું વેગળું કરું… આ રહી સાંકળી ! દીકરા કરતાં શું વધારે છે ? માતાએ પુત્રની તરફેણમાં જવાબ આપ્યો, એટલું જ નહિ પોતાના ગળાની સાંકળી પણ કાઢવા માંડી. પ્રહારવ્યૂહ પુત્ર સામેથી ખસી માતાપિતા વચ્ચે રચાયો. એમાં જ સલામતી નિહાળી મધુકર ત્યાંથી ખસી પોતાના ખંડ તરફ ચાલ્યો ગયો. જતે જતે એણે પિતાનું વાક્ય સાંભળ્યું ખરું :

‘બાળકને બગાડનાર કોઈ પણ હોય તો તે તેની મા જ !’

મધકુરના પિતાની સ્થિતિ નીચે જતી હતી. કાર તો તેમને હતી જ નહિ; પરંતુ ગાડીઘોડો પણ કાઢી નાખવાં પડ્યાં હતાં. અને એ ઊતરતી સ્થિતિને લઈને જ એકબે ધનવાનોની પુત્રીઓ સાથે પોતાના પુત્રના લગ્નની ગોઠવણ કરેલી તૂટી પડી હતી એનું ભાન મધુકરને ન હતું. પરંતુ માતાપિતાને તો હતું જ. અને દીકરો વળી અવનવી છોકરીઓ ભેગો જ ફરતો હતો !

પરંતુ એ જ પિતાના પુત્રની પ્રેમગણતરીમાં પૈસો છેક ન હતો એમ નહિ.