પૃષ્ઠ:Snehashristi.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




યુવાન મધુકર


યૌવન એટલે ? મધુકરે આયનામાં પોતાનું મુખ જોઈ વિચાર કર્યો.

આકર્ષણની ભુલભુલામણીમાં ભરાયેલું બિનઅનુભવી માનસ ! દેહની અને મનની જબરજસ્ત ખેંચાણ – ઘાંટીઓમાં ચક્રાવે ચડેલું માનસ એ માન્યતા શું સાચી હશે ?

આજનું યૌવન અઢારથી ત્રીસ વર્ષ સુધી ભુલભુલામણીમાં ભટકે છે અગર વેગભર્યા વહેણમાં ખેંચાય છે. એને એ ભ્રમણ ગમે છે, ખેંચાણમાં તરવું એમાં આનંદ પણ આવે છે. અંતે એકાદ પ્રવાહપાટા ઉપર એ ચડી જાય છે અને સામાન્ય વ્યવસાયી જીવનમાં ગોઠવાઈ જઈ આયુષ્ય વ્યતીત કરે છે. યૌવન કાળમાં સામાન્યતાનો સ્પર્શ માનવીને ગમતો નથી. એને એનું ભાવિ અસામાન્ય જ લાગે છે, અને વિશિષ્ટતા પ્રાપ્ત કરવા તે ચારેપાસ ઝૂઝે છે. ઝૂઝવું એ પણ યૌવનનું જ લક્ષણ. એને માટે કશું જ અશક્ય ન હોય.

એમાંથી વિશિષ્ટતા વરે છે કોઈ વીરલાને જ; યૌવન એ જાણે છે. પરંતુ પ્રત્યેક યુવાન માને છે કે વિશિષ્ટતાના સ્વયંવરમાં વરમાળા તેને જ મળવાની છે ! મધુકરને તો ખાતરી જ હતી કે તેના ભાવિને દ્વારે તેને જ ચાંદલો કરવા માટે લક્ષ્મી જ નહિ, પરંતુ લાવણ્યદેવી રતિ અને તેજવર્તુલ દોરતી દેવી કીર્તિ રાહ જોઈ ઊભી જ રહેલી છે. યૌવનની વિશિષ્ટતામાં મોટે ભાગે પહેલું સ્થાન લક્ષ્મીને જ હોય એ સ્વાભાવિક છે. લક્ષ્મીની પાછળ રૂપ અને કીર્તિ તણાતાં આવે છે એ સહુનો અનુભવ છે. પ્રત્યેક યુવકની સાથે મધુકરને પણ એ જ અનુભવ સાચો લાગે એમાં નવાઈ નહિ.

મધુકર બાહોશ હતો. બાહોશીમાંથી એ વિશ્વવ્યવહાર સમજી શક્યો હતો, અને વિશ્વવ્યવહારની ટોચ જોવી હોય તો લક્ષ્મીની નિસરણીએ ચડવું જ જોઈએ એવી પણ તેની ખાતરી થઈ ચૂકી હતી, એ જાતે ધનિકપુત્ર ન હતો; છતાં પિતાની સ્થિતિ એટલી સારી તો હતી જ કે તે ભણી શકે અને ભણતરની કહેવાતી મોજ માણી શકે. પરંતુ જીવનનાં બેપાંચ વર્ષ ગાડીઘોડે ફરનાર ધનિક તો ન જ કહેવાય અને વ્યાપારની ભરતી-ઓટ