લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યુવાન મધુકર:૨૩
 

મધુકરને સંપત્તિની ટોચે કદી રાખી શકતી ન હતી. કેટલાક ભાગ્યશાળી પુત્રો અંગ્રેજી કહેવત પ્રમાણે સોનાચાંદીનો ચમચો મુખમાં લઈને જ અવતરે છે; પરંતુ મધુકરને એ સુભાગ્ય પ્રાપ્ત થયું કહેવાય એમ ન હતું.

માબાપની પસંદગી કરવામાં મધુકરે ભયંકર ભૂલ કરી હતી. માબાપના વ્યક્તિત્વ પ્રત્યે એ નિર્લેપ હતો. તેને બીજાં માબાપ મળ્યાં હોત તો તેને જરાય હરકત ન હતી. માબાપ અમુક જ મળે એવો એને મોહ ન હતો, અને મળેલાં માબાપમાં ખાસ આશ્વાસન પણ તે લઈ શકતો નહિ. ઊલટ ઘણીવાર તેનું હૃદય સ્પષ્ટ કહેતું પણ ખરું કે આવાં કંજૂસ, પૈસા કમાઈ છલકાવી ન દે એવાં માબાપ તેને ન જ મળ્યાં હોત તો વધારે સારુ થાત ! એને મોહ હતો ધનિક માબાપનો. પરંતુ ન માતાયે ધનિક નીકળી. ન પિતાયે ધનિક નીકળ્યા. જન્મસિદ્ધ રોગની માફક જન્મસિદ્ધ માબાપ પણ માનવીને માથે એક અનિવાર્ય આફત રૂપ હોય છે. માનવી જન્મે, છતાં માબાપની પસંદગીનો અધિકાર જ નહિ !

દત્તકની પ્રથા માનવીએ શરૂ કરી છે છતાં હજી મધુકરને દત્તક લેનાર કોઈ ધનિક સગો જડી આવ્યો ન હતો ! પશ્ચિમની માફક કોઈ ઓળખીતો, માબાપનો મિત્ર કે ધર્મિષ્ઠ ધનિક પણ ભારતમાં હજી મળતો નથી કે જે ગમે તે ચબરાક છોકરાને પોતાનો દીકરો બનાવી ધનના ઢગલા ઉપર બેસાડી દે ! બાળક તરીકે પણ મધુકર ક્યાં ચબરાક ન હતો ? એની માં એનાં બાલ્યપરાક્રમોની કેટલીયે વાતો કહેતી હતી !

ધનિક થવાના બાકી રહ્યા બે માર્ગ : ધનવાનના જમાઈ બનવું કે જાતે મહેનત કરી ધનવાન બનવું. બન્ને કઠણ માર્ગ - જાતે જ મહેનત કરવાના માર્ગ ! અને તે બંને માર્ગ સ્વીકારવાની એની તૈયારી હતી. પરંતુ એ ઝડપી માર્ગ નહિ, એ સરળ માર્ગ નહિ… અને પાછા એ માર્ગ ખર્ચાળ પણ ખરા ! યુવતીને આકર્ષવી હોય તો પ્રથમ આંખ ખેંચે એવાં કપડાં તો જોઈએ જ. વસ્ત્રછટા એ પહેલી આવશ્યકતા; પછી કેશછટા, કેશરચનામાં ઘુંઘરવાળા વાળ તો બનાવવા જ જોઈએ. એને માટે તેલ, સુગંધિત પદાર્થો, ચકચકાટ પૂરનારાં દ્રવ્યો તો જોઈએ જ ! એ બધાં ક્યાંથી આવે પૈસા વગર ? મિત્રોમાં અને ખાસ કરી સ્ત્રીમિત્રોમાં ભેટ વગર કોઈને આવકાર મળે જ શાનો ? અત્યારની કૉલેજોમાં ભણતી લુચ્ચી યુવતીઓ સરખા હક્ક માગવા છતાં ભેટમાં પોતાનો જ હક્ક માનીને ચાલે છે ! ભેટ સ્ત્રીઓને જ માત્ર મળે. યુવતીમિત્રને ચિત્ર બતાવવું હોય, ચા માટે વિશ્રાંતિગૃહમાં લઈ જવી હોય. બસમાં કે ગાડીમાં બેસાડવાની હોય તોય પૈસા ખર્ચવાના પુરુષમિત્રે !… અને સદ્‌ભાગ્ય હોય તો યુવતીમિત્ર પાછું કાંઈ પુરુષમિત્રની પાસે ન