પૃષ્ઠ:Snehashristi.pdf/૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪:સ્નેહસૃષ્ટિ
 

મંગાવે ! છતાં સ્ત્રીમંડળમાં ભળવું હોય તો આ બધો જ વિધિ કર્યે છૂટકો. અને એ બધો જ વિધિ પૈસા માગે ! હવે ધર્મવિધિની જરૂર રહી નથી એટલે દુષ્ટ બ્રાહ્મણે અને એથી વધારે દુષ્ટ દેવો કે પિતૃઓની પાછળ પૈસા ખર્ચવાની જરૂર રહી નથી ! પરંતુ વધતા જતા વ્યવહારવિધિ કરતાં ઓછા ખર્ચાળ હોતા નથી.

અને મધુકરનાં કમબખ્ત માબાપ એ માગે એટલાં ધનિક ન હતાં !

આટલું કબૂલ કરવું જોઈએ કે એક સુપાત્ર પુત્ર તરીકે, મધુકર આમ બોલતો હતો કે માબાપને પોતાના સરખા પુત્રને જન્મ આપવાની અપાત્રતા વિષે વારંવાર મહેણાં મારતો હતો, એમ કહી શકાય નહિ. માતાપિતાનું મન એણે બાળપણથી જ જીતી લીધું હતું, અભ્યાસમાં તે ઠીક ઠીક આગળ રહેતો. અભ્યાસ કરતાં પણ વધારે નેતૃત્વ તે મેળવી શક્યો હતો રમતગમતમાં, નાટ્ય અભિનયમાં, વાક્યાતુર્યમાં અને શિક્ષકો તથા પ્રોફેસરો ઉપર પોતાની છાપ પાડવામાં. એથી એના સામાન્ય જીવનમાં ખર્ચાળપણાએ બહુ પ્રવેશ કર્યો. જીવનમાં બિનજરૂરી ખર્ચ કેમ વધારી શકાય એનાં દૃષ્ટાંતો ધનવાન માતાપિતાનાં સંતાનો ઠીકઠીક પ્રમાણમાં પૂરાં પાડે છે, અને તેમની વચ્ચેની સરસાઈ ખર્ચના આંકને વર્ષોવર્ષ ઊંચે ચડાવ્યે જ જાય છે. મધુકર કોઈ પણ ધનિકના પુત્રને ટક્કર મારે એવાં કપડાં પહેરતો. ખાણાં અને પીણાંના જ્ઞાનમાં ધનિક સંતાનોને હરાવતો, અને પરદેશગમનની સગવડ શોધવા આકાશપાતાળ એક કરતો. કારણ તેનાં વત્સલ માતાપિતાનું હેત પરદેશગમનની રકમ ખેંચી લાવવા હજી સુધી અશક્ત નીવડ્યું હતું.

હમણાં હમણાં પુત્રના વધતા જતા ખર્ચને લીધે મધુકરના પિતા પણ ચોંકી ઉઠ્યા હતા. મધ્યમ પરિસ્થિતિ ધનિકતાને ન જ પહોંચી શકે. શ્રીલતા નામની એક યુવતી સાથે કૉલેજમાં મધુકરને પરિચય થયો. એનાં માતાપિતા ધનિક હતાં અને મધુકરને લાગ્યું કે તેની સાથેનો પરિચય પ્રેમનું સ્વરૂપ ધારણ કરે તો તેનાથી શ્રીલતાની પ્રેમછાયામાં પણ પરદેશ જઈ શકાય. શ્રીલતાને પરદેશગમનનો શોખ હતો. કૉલેજનું શિક્ષણ પૂરું કરી તે અમેરિકા જવાની જ હતી. જ્યાં વર્તમાન હિંદનો ઉદ્ધાર કરનાર યુવકયુવતીઓ જઈ અનેક અનુકૂળ શિક્ષણ વિભાગમાંથી એકમાં પ્રાવિણ્ય મેળવી હિંદ પધારે છે અને હિંદના ઉદ્ધાર અર્થે કોઈ સારી નોકરી પસંદ કરી તેમાં પેસી જાય છે. શ્રીલતા સાથેનો પરિચય પ્રેમનું સ્વરૂપ ધારણ કરતો હતો, એટલામાં જ શ્રીલતાનાં માતાપિતાની સ્થિતિ એવી હળવી બની ગઈ કે તેમને પોતાની કાર કાઢી નાખવી પડી ! અને એ જ ક્ષણે