પૃષ્ઠ:Snehashristi.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
યુવાન મધુકર:૨૫
 

કોઈ અકસ્માતથી શ્રીલતાની સખી જ્યોત્સ્ના સાથે મધુકરને પરિચય થયો; ને મધુકરને લાગ્યું કે જ્યોત્સ્ના શ્રીલતા કરતાં વધારે ધનિક પિતાની પુત્રી છે અને વધારામાં તે માતાપિતાને એકનું એક સંતાન છે !

પરંતુ જ્યોત્સ્ના સહજ ચબરાકીથી પ્રસન્ન થાય એવી યુવતી ન હતી. એ પણ મધુકરે જોઈ લીધું. મધુકરના એક ધૂની મિત્ર સુરેન્દ્રની સાથે જ્યોત્સ્ના જેટલી વાત કરતી એટલી તે બીજા કોઈની સાથે વાત કરતી નહિ. પરંતુ એ ધૂની સુરેન્દ્રનો એને જરાય ભય ન હતો. ગરીબ માતાનો પુત્ર સુરેન્દ્ર ગરીબીને જ પસંદ કરતો અને વસ્ત્રોમાં, વ્યસનોમાં અને શોખમાં તે મધુકરથી ગાઉના ગાઉ પાછળ રહી જતો હતો. મિત્રોના વર્તુલમાં ચર્ચાઓ પણ જામતી અને પરસ્પરના વિચારો સમજવા માટે સહુને અવકાશ પણ મળતો. સુરેન્દ્રનો સિદ્ધાંત હતો કે જ્યાં સુધી એક પણ માનવી ગરીબ હોય ત્યાં બીજા કોઈપણ માનવીને ધનિક બનવાનો અધિકાર હોય જ નહિ. મધુકરનો સિદ્ધાંત એ હતો કે જ્યાં સુધી માનવી પોતાની જરૂરિયાત વધારતો ન જાય ત્યાં સુધી તે ગરીબ, અસંસ્કૃત અને પછાત જ રહેવાનો ! જરૂરિયાત વધારવી એટલે જ માનવતાને ઊંચી લાવવી ! મધુકરના મતને ભારે ટેકો મળતો; છતાં સુરેન્દ્ર જ્યારે દલીલ કરતો ત્યારે સહુને એમ લાગતું જ કે જો બધા જ પોતાની જરૂરિયાત વધારે તો માનવી સંસ્કૃતિમાં નાદાર બની જવાનો !

પરંતુ સુરેન્દ્ર બનતાં સુધી દલીલો કરતો જ નહિ, અને મોજશોખના જલસાઓમાં ભાગ લેતો જ નહિ. કદી મિત્રોના આગ્રહને વશ થઈ તેને ટોળીમાં જવું પડે તો તેનો સંકોચ અને તેની મર્યાદાઓ આગળ પડી આવતાં; અને તેની રૂબરૂમાં એને હસી કાઢવો અગર તિરસ્કારવો એ બહુ સંભવિત ન હતું, છતાં સુરેન્દ્રની ગેરહાજરીમાં પછીથી મધુકર તેની વિચિત્રતાઓને હાસ્યપાત્ર ઢબે રજૂ કરી સહુને હસાવતો ખરો. ડંબેલ્સ વગર મધુકરથી કસરત થાય જ નહિ; જ્યારે સુરેન્દ્ર ભારતની આર્થિક પરિસ્થિતિને ઓળખી કહેતો કે કશાય સાધન વગરનાં દંડ-બેઠકની જ કસરત નિર્ધન ભારતવાસીઓને શોભે. ટેનિસ, બેડમિન્ટન અને ક્રિકેટ સિવાય મધુકરની માન્યતા પ્રમાણે કોઈથી ખેલાડી થવાય જ નહિ; જ્યારે સુરેન્દ્ર માનતો હતો કે ભારતવાસીઓને એ પરદેશી ખર્ચાળ રમતો કરતા લાઠી લાકડીની રમત જ વધારે શોભે.

આમ સુરેન્દ્ર ઘણી વાર પછાત લાગતી પરિસ્થિતિને ટેકો આપતો. જયારે મધુકરનો ટેકો પરદેશી વિકાસને અપનાવવા મથતો લાગતો. છતાં ઘણી વાર સુરેન્દ્રની દલીલ તેને ભયંકર ક્રાન્તિકારને સ્વરૂપે પ્રગટ કરતી