પૃષ્ઠ:Snehashristi.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૬ : સ્નેહસૃષ્ટિ
 

ત્યારે મિત્રોમાં મતભેદ ઊપજતો. સામ્યવાદની વિચારસરણી યૌવનને બહુ પ્રગતિશીલ લાગે છે અને સુરેન્દ્ર લગભગ એની નજીક આવી જતો ત્યારે સહુને વિચાર પણ થતો કે સુરેન્દ્ર ધાર્યા જેટલો પ્રત્યાઘાતી તો નથી જ. તેમાંયે ધનિક જ્યોત્સ્ના કદી કદી સુરેન્દ્રના મતને ટેકો આપતી ત્યારે મધુકરને સુરેન્દ્રનો ભય લાગતો અને યૌવનના આકર્ષણની વિચિત્રતાથી તે ચોંકી ઊઠી સુરેન્દ્રને બનાવી ઉતારી પાડી જ્યોત્સ્નાની આકર્ષણ-સીમામાંથી હડસેલવા પ્રયત્ન કરતો. એના જ એક સાધન તરીકે મધુકરે ઉજાણી ગોઠવી હતી. અંતે જ્યોત્સ્ના સુરેન્દ્રને કારમાં સાથે બેસાડી લઈ ગઈ એ અસહ્ય પરિસ્થિતિ તેની દક્ષતાને ધારદાર બનાવી રહી - જોકે શ્રીલતાની ચેતવણી મધુકરને જરા વાગી ખરી. શ્રીલતાને પ્રેમપ્રદર્શનમાં મધુકરે વીંટી આપવાની કરેલી ભૂલ મધુકરને સાલતી હતી ખરી. પરંતુ શ્રીલતા અને જ્યોત્સ્ના એ બંનેની મૈત્રીમાંથી જ્યોત્સ્નાની મૈત્રી તેને વહેલું પરદેશગમન કરાવે એમ લાગતું હોવાથી જ્યોત્સ્નાની મૈત્રી તે વધારે શોધતો રહેતો હતો.

આજ એ ઘેર આવ્યો - મોડો આવ્યો ત્યારે પિતાએ તેના ખર્ચાળપણાની ટીકા કરી. જોકે માતાએ પિતાની ટીકાને હળવી કરી નાખી હતી. મધુકર પિતા-માતાને વાદ કરતાં મૂકી પોતાના સૂવાના ખંડમાં આવ્યો. ધનિકોના દૃષ્ટાંતો નિહાળી ગરીબો તેમ જ મધ્યમ સ્થિતિના માનવીઓ પણ જુદાં જુદાં જીવનકાર્ય અર્થે જુદા જુદા ઓરડાઓની અભિલાષ રાખતા બની ગયા છે. કિશોર અને યુવાન ભણેશ્રીઓને ભણવાના અને સૂવાનાં જુદા જ ખંડ જોઈએ. મધુકરે નાનકડા ઘરમાંથી એક ખંડ ઉપર પોતાની માલિકી સ્થાપના કરી હતી, એ ખંડને એણે બહુ સફાઈપૂર્વક શણગાર્યો હતો. થોડું પણ સરસ ફર્નિચર એમાં હતું. ગાંધીજીની છબી વગર તો કોઈને ચાલે જ નહિ ! પરંતુ ગાંધીજીની સાથે જ ભારતીય યૌવનના હૈયાના હાર સમી બની ગયેલી નટી અશરફીબેગમ - જેણે પોતાના નામને રત્નકણી તરીકે જગ જાહેર કર્યું હતું, તે પણ છબીમાં બિરાજી ગાંધીજીની અહિંસામાં સૌંદર્યનો પ્રકાશ રેડતી હતી. ટાગોર અને અરવિંદ વગર પણ આજના ભારતને ન જ ચાલે. એટલે દૂર દૂર તેઓ પણ હતા. પરંતુ ખંડનો વિરાગભાવ વધી ન જાય એ અર્થ ગ્રીસની કલામાંથી ઊતરી આવેલી એક નગ્ન સ્ત્રીઆકૃતિ અને અર્ધનગ્ન ભારતીય આકૃતિની પૂતળીઓ પણ કેટલાક ખૂણા શોભાવતી હતી. પુસ્તક વગર વર્તમાન યુવક જીવી શકતો નથી - એ પુસ્તકો વંચાય કે ન વંચાય એ જુદી વાત ! યુરોપ-અમેરિકામાં છેલ્લામાં છેલ્લા ગણાતા લેખકોનાં પુસ્તકો ફરતાં બુકકેસ ઉપર ખડકેલાં હોવાં જ