પૃષ્ઠ:Snehashristi.pdf/૩૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૦:સ્નેહસૃષ્ટિ
 

બેઠો.

‘હું હરકત તો નથી કરતો ને ?’ હસીને મધુકરે કહ્યું.

‘તું અમારો નેતા; તું હરકત કરે જ નહિ. તારે લીધે તો આપણે આટલી પરદેશની મુસાફરી થઈ.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘હું શું કહેતો હતો ? પરદેશગમન વગર માનવીનું પૂર્ણ સર્જન થાય જ નહિ.’ મધુકરે કહ્યું.

‘એટલે કે ઈંગ્લાંડ, ફ્રાન્સ કે અમેરિકાના અણુઓ તમારા દેહમાં પ્રવેશે નહિ ત્યાં સુધી આપણે પૂરા માનવ ન જ ગણાઈએ. એમ જ ને ?’ સુરેન્દ્રે જરા મોટાઈભર્યો પ્રશ્ન કર્યો.

‘આ મનુષ્ય જેમ જેમ વધારે ભણતો જાય છે તેમ તેમ એના વિચાર અને વર્તનમાં પીછેહઠ થતી જાય છે. સુરેન્દ્રને કેમ સુધારવો ?’ મધુકરે કપાળે બે આંગળી લગાડી નિરાશાજનક અભિનય કર્યો.

‘એ હવે સુધરે એમ જ નથી. જો કે, સુએઝની નહેર મૂક્યા પછી પુરુષોએ પશ્ચિમી પોશાક પહેરવો જ જોઈએ, છતાં આ સુરેન્દ્રે વહાણના અધિકારીઓ જોડે લડીને આ હિંદી પોશાક ચાલુ રાખ્યો છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘અને એ હિંદી પોશાકને લઈને વહાણમાં એને કોઈ ગણતું પણ નથી અને ગુડમોર્નિંગ પણ કરતું નથી !’ મધુકરે કહ્યું.

ગુજરાતી ભાષામાં થતી વાતચીત જરા મોટેથી થવા લાગી એટલે આસપાસ વાંચતા અને ચા પીતાં જોડકાં આ ત્રિપુટી તરફ જરા તાકીને જોવા લાગ્યાં. હિંદુસ્તાનની માફક સુધરેલા દેશોમાં બહુ જોરથી વાત ન થઈ શકે. ત્રાહિતનું ધ્યાન દોરાય એમ વાત કરવી એને પશ્ચિમમાં અસભ્ય વર્તન કહે છે. જોકે આખી દુનિયાને હલાવી નાખે એવા સંદેશાઓ સમાચારો અને ખબરો દુનિયાભરમાં મોકલી માનવજાતની શાંતિનો ભંગ કરવાની તેમની પ્રચારકલા તો વળી સુઘડકલા મનાય છે ! મધુકર ચા પીતે પીતે ઊભો થયો. પ્યાલો તેણે મૂકી દીધો અને ડેક ઉપર જઈ તેણે લટાર મારવા માંડી. વિશાળ દરિયો ઊછળી રહ્યો હતો અને દરિયાના મોજા ઉપર માર્ગ કાપતી સ્ટીમર પુરુષાર્થી માનવીના પ્રતીક સરખી આગળ અને આગળ વધતી જતી હતી. સુએઝ પસાર થઈ ગયું. બીજાં કેટલાંય બંદરો પાર થઈ ગયાં, છતાં મધુકરે વાંચેલી બંદરોની સહેલગાહ તેના અનુભવમાં કેમ ન આવી ? સહેલગાહમાં સહેલી અને સરળ નીતિવાળી સ્ત્રીઓ ઠામઠામ મળે છે એ અનુભવ તેને કેમ ન થયો ? પરદેશ જવામાં