અનેકાનેક હેતુઓ હતા એ વાત ખરી; પરંતુ બંદરગાહો ઉપરનાં નગ્ન સ્ત્રીનૃત્યો નિહાળવાના ઉદ્દેશ ફળીભૂત થયા વગરના રહી જતા હતા એમ તેને લાગ્યું. જીવ્યા કરતાં જોયું ભલું એ કહેવત તેને વારંવાર યાદ આવ્યા કરી. રાત્રિનો અંધકાર ફરી વળ્યો, અને એકાએક મધુકરને લાગ્યું કે તે તો એક મોટા વિમાનની નિસરણીમાંથી નીચે ઊતરે છે. એટલું જ નહિ પણ શ્રીલતા અને યશોધરા તેના બન્ને હાથ પકડી તેની સાથે સાથે ઊતરે છે. જ્યોત્સ્નાએ પોતાનો હાથ કેમ પકડ્યો નથી એવો વિચાર આવતાં મધુકરે પાછળ જોયું તો તેને દેખાયું કે દેશી પોશાકમાં અતિ ઠંડી વેઠતો સુરેન્દ્ર અદબવાળી ધીમો ધીમો વિમાનની સીડી ઊતરતો હતો અને જ્યોત્સ્ના તેની પાછળ આવતી હતી. ધીમે ધીમે સહુ નીચે ઊતરી ગયાં અને એક સુંદર વિમાનગૃહનું દૃશ્ય મધુકરની નજરે પડ્યું. સીડી ઊતરીને આગળ ચાલતાં શ્રીલતાએ પાછળ જોઈ કહ્યું :
‘જ્યોત્સ્ના ! તું તો પાછળની પાછળ.’
‘સુધરેલી દુનિયામાં સ્ત્રીઓને આગળ રાખવી જોઈએ.’ પરાશરે કહ્યું.
‘એટલું જ નહિ, પરંતુ અહીં તો સ્ત્રીપુરુષે હાથમાં હાથ મિલાવીને જ ચાલવું જોઈએ.’ મધુકરે કહ્યું.
‘નહિ તો ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘નહિ તો આખી સ્ત્રી જાતનું અપમાન ગણાય !’ મધુકરે કહ્યું અને શ્રીલતાનો હાથ તોડાવી જ્યોત્સ્નાનો હાથ પકડવાનો અભિનય કર્યો. પરંતુ જ્યોત્સ્નાએ પોતાના રૂપાળા રૂવાંવાળા ઓવરકોટના ખિસ્સામાં પોતાના બન્ને હાથ નાખી દીધા અને પાછળ આવતા સુરેન્દ્રનો પ્રશ્ન સહુને સંભળાવ્યો :
‘પણ… આપણે અહીં કેમ આવ્યાં ? શા ઉદ્દેશથી ?’
જ્યોત્સ્ના સિવાય સહુ કોઈ ખડખડાટ હસી પડ્યું અને મધુકરે કહ્યું :
‘સુરેન્દ્ર ! તું હજી ઊંઘમાં છે કે શું ?’
‘વાહ, વાહ ! આ ઊંઘણશી અગસ્ત્યને ખબર જ નથી કે આપણે અહીં શા માટે આવ્યાં !’ હસતે હસતે પરાશરે કહ્યું.
‘જ્યોત્સ્ના ! જરા સુરેન્દ્રના કાનમાં કહે કે આપણે અહીં શા માટે આવ્યાં છીએ.’ શ્રીલતાએ પણ હસતે હસતે સાદ કર્યો.
‘શું સુરેન્દ્ર ! તુંયે ? ભારતીય કલાનું પશ્ચિમને ભાન આપવા તો આપણે અહીં આવીએ છીએ… આટલી મુસાફરી ખેડીને… અને એ વાત