પૃષ્ઠ:Snehashristi.pdf/૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
સ્વપ્નને માર્ગે
 

બારણે ટકોરા વધારે વાગ્યા. પરદેશગમનનું સ્વપ્ન જરૂરી સાચું પડવાનું છે એમ તેણે માન્યું પણ ખરું. વહેલા પ્રભાતનાં સ્વપ્ન મુખ્યત્વે સાચાં જ પડે છે એવી તેણે કદી સાંભળેલી માન્યતા તેના હૃદયમાં સ્થિર થઈ ગઈ. અનુકૂળતાભર્યો વહેમ પણ માનવીને ગમે છે. અજવાળું થઈ ગયું હતું એમ મધુકરને પોતાને લાગ્યું. અને ટકોરા વાગતા બારણા સામે જોઈ તેણે બૂમ પણ પાડી :

‘કોણ હશે ? હું હમણાં જ ખોલું છું.’ એટલું કહી ઊભા થઈ કપડાં ખંખેરી કરચલી ભાંગી તેણે બારણું ખોલ્યું. સામે મધુકરની માતા ઊભેલી દેખાઈ. માતાએ મધુકરના ખંડમાં પગ મૂક્યો અને મધુકરે પૂછ્યું :

‘મમી ! તું ? કેમ ?’

‘શું કેમ ? ક્યાં સુધી સૂઈ રહેવું છે ? દિવસ તો કેટલોય ચડી ગયો છે !’ માતાએ કહ્યું.

જરૂર પડે ત્યારે સહુને પ્રસન્ન રાખવાની શક્તિ ધરાવતા મધુકરે કહ્યું :

‘હા, ખરું. રાત્રે જરા વધારે ઊંઘ આવી ગઈ, નહિ ?’

‘ઊંઘમાંથી તો તને કોઈ ઉઠાડવાનું ન હતું. તારો ભાઈબંધ સુરેન્દ્ર ક્યારનો આવી ગયો અને તું જાગ્યો નહિ એટલે આ ચિઠ્ઠી મૂકતો ગયો છે. તને કહેતો ગયો છે કે કામ બહુ જ જરૂરી છે.’

‘હશે પાછું કાંઈ મહેનત-મજૂરીનું કામ, જેમાં મળતર કાંઈ નહિ અને મહેનત વધારે ! એને એ જ ટેવ પડી છે. જંપીને બેસવું નહિ અને બેસવા દેવું નહિ.’ કહી મધુકરે ચિઠ્ઠી હાથમાં લીધી અને જલદી જ આવવાની આગાહી આપી માતાને ખંડમાંથી વિદાય આપી. ચિઠ્ઠીને એક વાર તો મધુકરે વાળીને ફેંકી દેવાનો નિશ્ચય કર્યો અને તેને હાથમાં વાળવા પણ માંડી. વળી વિચાર બદલી વાળેલી ચિઠ્ઠી તેણે ખોલી અને વાંચતાં બરોબર આનંદભર્યો એક કૂદકો માર્યો. ઘડિયાળ તરફ નજર નાખી અને એકાએક તેના દેહમાં ઝડપ આવી ગઈ. મધુકર ધારતો ત્યારે ઘણી ઝડપ કરી શકતો. જોતજોતામાં હાથમુખ ધોઈ તેણે પોતાનાં સરસમાં સરસ કપડાં