પૃષ્ઠ:Snehashristi.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૩૪:સ્નેહસૃષ્ટિ
 

પહેરી લીધાં. પોતાના ખંડનું બારણું વાસ્યું અને માતાને કહ્યું :

‘મમી ! ચા તૈયાર છે ?’

‘હા. રાજાનો કુંવર ખરો ને, તે તારે માટે તું માગે તે વખતે તને સહુ કોઈ ચા લાવી આપે !’

‘મમી ! ખાતરી રાખજે કે એ દિવસ હવે આવી ચૂક્યો. તું મને ચા આપ ને જલદી… મહેરબાની કરી !’

‘દીકરા ! વહુ લાવો પછી હુકમ કરજો. હજી કોઈ આપતું નથી.’

‘એ પણ આવશે. જોતજોતામાં.’ કહી મધુકરે ઝડપ સૂચક ચપટી વગાડી અને માતા ચાના બે પ્યાલા લઈ પુત્રની પાસે આવી. વધારે ભણેલો અને તેથી વધારે આશા આપતો પુત્ર એક ચાના પ્યાલાથી સંતોષાતો નહોતો. આજના નવયુવાનને બેથી ઓછા પ્યાલા ચાલતા નથી - ચાના તો નહિ જ.

ચા પીતે કદી ઉતાવળ ન કરતા પુત્રને ચા પીવામાં ઉતાવળ કરતો જોઈ માતાએ પૂછ્યું :

‘જરા સ્વસ્થતાથી ચા તો પી !’

‘આજે સ્વસ્થતા થઈ શકે એમ નથી. આજનો મારો દિવસ ભારે શુકનિયાળ દિવસ છે. મારી હસ્તરેખા જોઈને એક જોશીએ એ વાત કહી હતી.’

‘પણ છે શું? તે તો કહે ! ચિઠ્ઠી તો તારા જેવા બેકાર મિત્રની જ હશે ને ?’

‘ના, મમી ! એમ નથી. સુરેન્દ્રને તો હાથે કરીને બેકાર રહેવું છે, મારે તેમ કરવું નથી.’

‘તે આ ચિઠ્ઠીમાં નોકરી ભરીને મોકલી હશે, નહિ ?’

‘હા, મમી ! અને નોકરી એવી સરસ છે કે આપણે સહુનું આખું જીવન પલટાઈ જાય.’

‘એવું શું છે ?’

‘એક મહાન ધનિક માણસે મને નોકરી આપવા માટે ખાસ બોલાવ્યો છે. અને તે તેમની બહુ અંગત અને સારા પગારની નોકરી છે. હું મળી લઉં. એટલી વાર. ચાલ ત્યારે, મમી ! ચિયરીઓ. પપાને સહેજ કહી દેજે હું શા માટે જાઉ છું તે.’ કહી આશ્ચર્યમુગ્ધ માતાને આશ્ચર્યમાં જ રહેવા દઈ લાંબી ફલાંગે ઘરમાંથી મધુકર બહાર નીકળ્યો. અરધા કલાકમાં તેને પહોંચવાનું હતું. મૂર્ખ સુરેન્દ્રે પૂરી વિગતો જ લખી ન હતી. વખત હોય તો તેને મળીને