પૃષ્ઠ:Snehashristi.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્વપ્નને માર્ગે : ૩૫
 

અને નહિ તો સીધા રાવબહાદુર ગિરિજાપ્રસાદને ત્યાં સાડા દસ વાગે પહોંચી તેમની મુલાકાત લઈ તેમના મંત્રી તરીકે તેણે દાખલ થવાનું છે, એવું ચિઠ્ઠીમાં સૂચન હતું. હજી અરધો કલાક બાકી હતો. સુરેન્દ્રને ઝડપથી મળી તે ગાડી કરીને જાય તો વખતસર જઈ શકાય એમ એને લાગ્યું. ગઈ રાત્રે જ્યોત્સ્ના સુરેન્દ્રને સાથે લઈ ગઈ હતી. કદાચ એમાંથી આવી જાતનું પરિણામ આવ્યું હોય એ સંભવિત ગણાય. ટાપટીપ વગરના સુરેન્દ્રને રાવબહાદુરે નાપસંદ કર્યો હોય અને સુરેન્દ્ર જેવા ભલા માણસે પોતાને બદલે મધુકરનું સૂચન કર્યું હોય અને જ્યોત્સ્નાએ તેને ઉત્તેજન આપ્યું હોય તે સંભવિત હતું. સુરેન્દ્રના ઘર તરફ જવા તેણે પગ લંબાવ્યો અને ઝડપથી તેને ઘેર પહોંચી પણ ગયો. પરંતુ મૂર્ખ સુરેન્દ્ર લાંબી વિગતો કહેવા હાજર રહેવાને બદલે, કહેવાનો સંદેશો એની બબૂચક માને આપી ઘરમાંથી ચાલ્યો ગયો હતો. સુરેન્દ્રની માએ મધુકરને જોતાં બરાબર કહ્યું :

‘ભાઈ ! ઝડપથી રાવબહાદુરને ત્યાં પહોંચી જા, સાડા દસ પહેલાં.’

‘બીજું કાંઈ સુરેન્દ્રે કહ્યું છે ખરું ?’ મધુકરે પૂછ્યું.

‘ના, ભાઈ ! તને રોકવાની પણ મને ના પાડી છે. સાડા દસ થવા આવ્યા છે, એટલે હું તને આગ્રહ પણ કરતી નથી.’ સુરેન્દ્રની માતાએ કહ્યું અને મધુકર સુરેન્દ્રના નાનકડા ઘરમાંથી બહાર નીકળ્યો. બહાર નીકળતાં મધુકરે એક હથેલી ઉપર પોતાના હાથને પછાડ્યો અને સુરેન્દ્રની આવી નિષ્કાળજી માટે નાપસંદગીનો પણ અભિનય કર્યો.

કમબખ્ત ગાડીવાળાઓ પણ જરૂર પડે ત્યાં હાજર રહેતા નથી. સુરેન્દ્રને ત્યાં જવામાં નિષ્ફળ સમય ગાળ્યો ન હોત તો કદાચ તે ચાલીને પણ અરધા કલાકમાં રાવબહાદુરને ત્યાં પહોંચી ગયો હોત. પરંતુ હવે તો ગાડી વગર સમયસર પહોંચવું અશક્ય હતું. ગાડી ન હોય તો કાર પણ ભાડે કરી લેવાની તેની તૈયારી હતી. પરંતુ થોડીક ક્ષણો સુધી ઝડપથી ચાલતા મધુકરને ગાડી કે ટૅક્સી નજરે પડ્યાં જ નહિ. તેના જેવા સુંદર પોશાકવાળા યુવકને નાસતા ચોર જેવી ઝડપથી ચાલવું રુચે એમ તો ન જ હતું, છતાં ઝડપી ચાલ રાખ્યા વગર છૂટકો જ ન હતો. એણે ગાડીનો, કારનો, સુરેન્દ્રનો, લંબાણભર્યા રસ્તાનો એમ જુદા જુદા પ્રકારના વાંક મનમાં કાઢ્યા કર્યા. માત્ર એને પોતાને પોતાનો એ વાંક ન સૂઝ્યો કે તે જાતે જ અતિશય મોડો ઊઠ્યો હતો ! વાંકને અંગે તેણે પોતાના તરફ નજર કરી હોત તો પણ તેને પોતાનો દોષ દેખાતો નહિ જ. તે જરૂર એમ કહેતા જ કે શા માટે તેનાં માતાપિતાએ વહેલો ન ઉઠાડ્યો ? એથી આગળ વધત તો એ એમ પણ દોષ કાઢત કે શા માટે તેને નિદ્રામાં વણમાગ્યું સ્વપ્ન આવીને ઊભું