લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
 
પ્રવેશનું પહેલું પગથિયું
 


રાવબહાદુર ગિરિજાપ્રસાદની સામે અત્યંત વિવેકથી મધુકરનો ‘કાર્ડ’ મૂકવામાં આવ્યું ત્યારે રાવબહાદુર પાસે ત્રણ-ચાર મુલાકાતીઓ બેઠેલા હતા. એમાંથી એકને રાવબહાદુરના જીવનની ટૂંકી નોંધ જોઈતી હતી અને બીજાને કૃષિ તથા ઉદ્યોગના સંમિશ્રણની એક યોજનામાં રાવબહાદુરનો ટેકો જોઈતો હતો. ત્રીજા મુલાકાતીની એવી વિનંતી હતી કે રાવબહાદુરે સ્થાનિક રોટરી ક્લબના સભ્ય બની સભાની રોનકમાં વધારો કરવો અને ચોથા ગૃહસ્થની આગ્રહભરી માગણી હતી કે તેમણે રચેલા મહાન પુસ્તકનું અર્પણ રાવબહાદુર સરખા મહાન અગ્રણીએ જ સ્વીકારવું. પુસ્તકો, યોજનાઓ, સંસ્થાઓ અને જાહેરાતોના અનિયમિત જંગલ જેવી બની ગયેલી આજની માનવદુનિયામાં ધનિકો અને યોજકો વચ્ચે ખેંચાખેંચી છતાં ઠીક ઠીક સહકાર ચાલે છે. આ બધી મહત્ત્વની માગણીઓમાંથી કયી સ્વીકારવી અને કયી નકારવી એનો ઝડપથી નિર્ણય ન આપી શકેલા રાવબહાદુરે નવા કાર્ડવાળા મુલાકાતીમાં આશ્રય શોધ્યો. અને તેને અંદર બોલાવવા પરવાનગી આપી.

ઘણા મુલાકાતીઓ હોય ત્યારે બધાયને સામટા બોલાવવામાં વધારે અનુકૂળતા પડે છે. કોઈને અતિ લાંબી વાત હૃદયદ્રાવક રીતે એકલા રાવબહાદુરને જ કહેવાની હોય તો તે બીજાઓની હાજરીમાં ઓછી હૃદયદ્રાવક બની રહે છે, કોઈને ગુપ્ત મંત્રણા કરવી હોય તેનાથી બીજાના દેખતાં વાતનું ગુપ્તપણું અને તેમાં રહેલું મહત્ત્વ જતું કરવું પડે છે. રાવબહાદુરે સવારના દસથી અગિયાર વાગતા સુધીનો સમય મુલાકાતીઓ માટે નિશ્ચિત કરી રાખેલો હતો એટલે સહુને એ કલાક ગાળામાં બોલાવી લેતા હતા. અને એ કલાકમાં મળવા આવનાર આફતોને પતાવી દેવા ઇચ્છતા હતા.

પરંતુ એ આફત માનવીની ધારણા પ્રમાણે પતી જતી નથી. રાવબહાદુરના હૃદયને સ્પર્શવા, તેમના વિસ્મયને વહાવવા,તેમના નકારને ડોલાવી હકારમાં ફેરવવા માટે એક કલાકથી પણ વધારે બેસવામાં