પૃષ્ઠ:Snehashristi.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પ્રવેશનું પહેલું પગથિયું:૩૯
 

મુલાકાતીઓને હરકત આવતી નહિ. અને ઘણી વાર મુલાકાતીઓ પોતાને મળેલા એક કલાકને ખેંચી લંબાવી ત્રણ કલાકનો પણ બનાવી શકતા હતા. છતાં રાવબહાદુરે સહુને સાથે બોલાવી લેવાની પ્રથા ચાલુ રાખી હતી અને મધુકરને બોલાવતાં જ મધુકરે રાવબહાદુરની સાંનિધ્યમાં પ્રવેશ કર્યો. મધુકરની ખાતરી હતી કે તે એની છટાથી રાવબહાદુરને આંજી શકશે. છટા અને વિવેકનું મિશ્રણ કરી સહુનું ધ્યાન ખેંચતા મધુકરને રાવબહાદુરે પ્રશ્ન કર્યો :

‘કેમ ? આપને કેમ આવવું થયું ?’

‘જી… આપે મને સાડા દસ વાગે આપને મળવાનું જણાવ્યું હતું.’ મધુકરે જવાબ આપ્યો.

‘મેં ? શું કામ હશે ?… મને યાદ નથી… આપનું નામ ?’

‘મારું નામ મધુકર… આપને કોઈ સેક્રેટરીની સહાય જોઈએ એ માટે…’

‘હા… હા. બેસો… જ્યોત્સ્નાએ મને કાંઈ વાત કરી હતી ખરી. હું આમનું કામ પતાવી તમારી સાથે વાત કરું છું.’

સભ્યતાપૂર્વક છતાં સફાઈભરી ઢબે મધુકર ખાલી પડેલી ખુરશી ઉપર બેઠો.

‘લો, સાહેબ ! મારું કામ પતી ગયું હવે. આપના સેક્રેટરી જ આપના જીવનની ટૂંકી રેખા લખી આપી શકશે ! જલદી…’ કહી એક ગૃહસ્થ ઊભા થયા અને નમસ્કાર કરીને તેમણે ચાલવા માંડ્યું.

‘તો. સાહેબ ! મારી યોજના હું અહીં જ મૂકતો જાઉં છું… આપ તો બધી વિગત ન જોઈ શકો. હવે આપ સેક્રેટરી રાખો છો એટલે તે પૂરી રીતે તપાસી લેવાશે. હું એક અઠવાડિયામાં આપને મળી જઈશ.’ બીજા ગૃહસ્થે કહ્યું અને પોતાની યોજનાના નકશા તથા આંકડા રાવબહાદુર સામે મૂકી નમન કરી તેમણે પણ રજા લીધી.

‘તે રાવબહાદુર ! આજ સુધી આપે સેક્રેટરી રાખ્યો નથી ? અમે તો માનતાં હતાં કે આપની પાસે હશે… હવે સમજાયું કે આપ કેમ આનાકાની કરતા હતા… હવે તો આપ એ સગવડ મેળવી લો છો… સભાની નોંધ હવે રહી શકશે… આપ સભ્ય થયા એમ માનીને અમે ચાલીએ છીએ… સાહેબજી ! શુક્રવારે આપણી સભા… મહિનામાં ચાર જ.’ કહી રોટેરિયન બંધુ ઊભા થયા અને તેમણે ચાલવા માંડ્યું. મહિનામાં ચાર મિજબાનીઓ ભપકાભરેલી ઢબે ગોઠવી, અત્યંત ગંભીરતાપૂર્વક, બની શકે એટલા