પૃષ્ઠ:Snehashristi.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૦:સ્નેહસૃષ્ટિ
 

જાણીતા માણસોનાં ટૂંકા મગજને બહુ તકલીફ ન આપે છતાં બુદ્ધિવર્ધક મનાતાં વ્યાખ્યાનો ગોઠવી ભવ્ય સેવા કરનાર વિશ્વવ્યાપી મોટા માણસોનું આ મંડળ પોતાના સ્વાર્થને પણ બાજુએ મૂકી સેવા આપવા મહાપ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ કમબખ્ત માનવ જાત રોટેરિયનોની સેવા ઝીલવા હાથ પણ લાંબો કરતી નથી !… એટલે તેમને ન છૂટકે પોતાની સેવાને સ્વાર્થના પરિઘમાં જ રોકી રાખવી પડે છે ! પોતાનું કામ કરવા માટે સેક્રેટરી ન રાખી શકે એવો કોઈ પણ માનવી ‘રોટરી ક્લબ’માં દાખલ ન થઈ શકે એવો અલિખિત નિયમ પણ એ પાળતું હોય એમ દેખાય છે. અને રાવબહાદુરની સેક્રેટરી રાખવાની હિલચાલમાં પોતાની સફળતા નિહાળતા આ મહામાનવ રોટેરિયન પણ રાવબહાદુરનો હાથ ખેંચી હલાવી ત્યાંથી વિદાય થયા.

હજી ત્યાં બેઠા હતા એક લેખક, જેમને પોતાનું પુસ્તક રાવબહાદુરને અર્પણ કરવાનું હતું ! ઘણી વાર પુસ્તકનું અર્પણ એટલે પુસ્તકના ખર્ચનું નિવારણ, એવો પણ અર્થ થઈ શકે છે. લેખકે પણ પોતાની દલીલ કરી :

‘રાવબહાદુર સાહેબ ! તો હું આ મારું હસ્તલિખિત પુસ્તક અહીં મૂકો જાઉં છું… આપના સેક્રેટરી ભણેલા અને બાહોશ લાગે છે… એમને જોવા દો અઠવાડિયા સુધી… આપને અર્પણયોગ્ય એ પુસ્તક છે એવી તેમની ખાતરી થાય પછી આપ રજા આપો… અત્યારે તો જાઉ છું… નમસ્તે !’ કહી લેખક પણ ગયા અને મેદાન મધુકર માટે ખુલ્લું થયું. મુલાકાતીઓએ પણ સારા નસીબે મધુકરને સીધો આડકતરો ટેકો આપ્યો હતો, અને મોટાં કુટુંબોમાં સેક્રેટરીની ડગલે ને પગલે કેવી જરૂર પડે છે તેનું તેને અને રાવબહાદુરને ભાન પણ કરાવ્યું હતું.

‘કહો ભાઈ ! હવે તમારી વાત પતાવી દઈએ… તમે કોઈ વાર સેક્રેટરીનું કામ કર્યું છે ?’ રાવબહાદુરે મધુકરને પૂછ્યું.

‘હા જી.’

‘ક્યાં કામ કર્યું છે ?’

‘કૉલેજમાં એક પણ સંસ્થા એવી ન હતી કે જેમાં મેં સેક્રેટરી તરીકે કામ ન કર્યું હોય.’

‘અરે… પણ… એ કામ જુદું અને મારું કામ જુદું.’

‘એ હું જાણું છું, સાહેબ ! પરંતુ કૉલેજમાં રહ્યે રહ્યે કંઈક પ્રોફેસરના ખાનગી મંત્રી તરીકે કામ કરેલું છે… મારું લખાણ આપને પસંદ આવશે… મને કામ સોંપી જુઓ.’ મધુકરે કહ્યું.