મોટે ભાગે પ્રસ્તાવનાઓ નિરર્થક હોય છે - છતાં તે લખવી પડે છે - જોકે વાચકો તો પુસ્તક વાંચીને અને વિવેચકો વાંચીને - કે વાંચ્યા વગર પણ - પોતાને યોગ્ય લાગે તે અભિપ્રાય આપે જ છે. ધનિકો ધનના માત્ર વાલી જ છે એ ગાંધીસિદ્ધાન્ત ચર્ચતી ‘સૌન્દર્યજ્યોત’ નામની એક નવલકથામાં એક ગાંધીવાદી માસિકના વિવેચકને ટીકા કરવા માટે પણ એ સિદ્ધાંત દેખાયો નહિ - બીજી ઘણી ભૂલો જડવા છતાં - ત્યારે મને લાગ્યું કે એ હકીકત મેં પ્રસ્તાવનામાં લખી હોત તો કદાચ તે તરફ તેમનું લક્ષ જાત ખરું - અને બીજા વિવેચકોનું પણ ! અને નમ્રતાપૂર્વક પોતે જ પ્રસ્તાવનામાં સ્વીકારી લીધેલી ખામીઓ ખરેખર સાચી ખામીઓ છે જ એમ વગર ચર્ચાએ માની લઈને વિવેચકો હજી સુધી મારા મતને ગ્રાહ્ય કરી ચાલ્યા કરે છે એટલે ‘સ્નેહસૃષ્ટિ’ની પ્રસ્તાવનામાં આટલું જ લખવું અનુકૂળ થશે કે આ કથા પણ મારી જાણીતી થયેલી ખામીઓવાળી નવલકથા છે. માત્ર બે બાબતો નોંધી લઉં : એક તો એ કે ‘ઝંઝાવાત’થી શરૂ થતી મારી સામાજિક નવલકથાઓ ગાંધીજીના અવસાનયુગ પછીની છે. જ્યારે એ પહેલાંની કથાઓ ગાંધીજીના વાતાવરણને સહારે લખાતી હતી. સ્વતંત્ર ભારતના હૃદયને ગાંધીજીના અનુયાયીઓ હજી સંતોષ આપી શક્યા નથી. અને હિંદનું માનસ હજી થાળે પડ્યું નથી, એ વ્યાપક વાતાવરણને પડછે લખાયલી કથાઓમાંની આ ‘સ્નેહસૃષ્ટિ’ પણ એક કથા છે એ પ્રથમ નોંધ. બીજી નોંધ એ કે આ આખી વાત મારી રશિયાની મુસાફરી પહેલાં જ પૂરી થઈ છે. સામ્યવાદી-સમાજવાદી વિચારસરણીનાં કેટલાંક તત્ત્વો મને ગમે છે; ગાંધીવાદ સાથે, મારા મત અનુસાર, એ સામ્ય પણ ધરાવે છે, અને અહિંસક માર્ગે આપણે એ તત્ત્વોને અપનાવીશું નહિ તો હિંસાનો માર્ગ આપણને એ તત્ત્વો તરફ ખેંચી જવા મથશે જ એવી મારી દૃઢ થતી જતી માન્યતાનું પ્રતિબિંબ મારી પ્રત્યેક નવલકથામાં હોય, એનો અર્થ એમ નથી જ કે એ માન્યતા પાછળ રશિયાની મુસાફરી કે સામ્યવાદનાં સર્વાંગી આકર્ષણ હોવાં જ જોઈએ. સામ્યવાદની હિંસા અને સિદ્ધિ તથા સાધનની સમાનવિશુદ્ધિ પ્રત્યેની અશ્રદ્ધા મને જરાય ખપતાં નથી. એટલી સ્પષ્ટતા મારા માનસને સ્પષ્ટ કરશે એવી આશા રાખી શકું ?