કે સૌન્દર્ય ઉપરના અનુકુળ વિવેચનમાં તે ભૂલ કાઢી શકે. મોટો માણસ સાહસ કર્યા વગર ન રહે, પરોપકાર કર્યા વગર ન રહે, દેશભક્તિ કર્યા વગર ન જ રહે. એવા પ્રસંગો કલ્પનાથી ઊભા કરવામાં આવ્યા હોય તોય એ જૂઠા છે એમ કહેવાની હિંમત કોઈ પણ કરી શકે નહિ - રેખાચિત્રનો વિષય બનનાર માનવી પણ હિંમત કરી શકે નહિ !
મધુકરે છટાબંધ પોતાનું લખાણ લખવા માંડ્યું. ચારે બાજુની દુનિયાને જાણે તે વીસરી ગયો હોય એવા ધ્યાનથી એકચિત્તે તે લખી રહ્યો હતો. છેલ્લું પાનું અને છેલ્લો અક્ષર લખી તેના ઉપર બ્લોટિંગ પૅડ દાબી તેણે પેનને બાજુએ મૂકી અને જરા સુસ્તાવાનો પ્રયત્ન કર્યો અને ક્યારનીયે ખબર પડી હતી કે રાવબહાદુર છેલ્લી દસ મિનિટથી ધીમે ધીમે આવી મધુકરની પાછળ ઊભા રહી એકધ્યાનથી લખતા મધુકરને જોઈ રહ્યા હતા. છતાં દસે મિનિટ તેણે સ્વસ્થતા ધારણ કરી રાવબહાદુર જાણે આવ્યા જ ન હોય એવો દેખાવ કરી લેખનકાર્ય ચાલુ રાખ્યું.
કામ પૂરું થતાં તેણે પાછળ જોયું અને રાવબહાદુરની આંખનો સંતોષ વાંચતા બરોબર તે ઊભો થયો. ખુરશી ઉપરથી ખસી જઈ તેણે કહ્યું :
‘રાવબહાદુરસાહેબ ! નોંધ પૂરી કરી રહ્યો છું… જરા વાર થઈ, નહિ ?’
‘વાર ? જરાય નહિ. મારે તમને શાબાશી આપવી જોઈએ. હું ક્યારનો ઊભો છું તેનો તમને ખ્યાલ ન આવ્યો એવી તો તમારી એકાગ્રતા હતી. હું બહુ રાજી થયો.’
‘હું વાંચી બતાવું, સાહેબ ? અગર બહેનને અથવા બાઈસાહેબને બોલાવવાં છે ?’
‘ખાસ જરૂર નથી. તમારી નિમણૂક થઈ ગઈ તમે માની લેજો… ટાઈપ કરતાં શીખી લેજો. ટાઈપ કરાવી હવે મને સાંજના પાંચ પછી મળજો.’
‘તો હું રજા લઉં.’
‘હા; કાલે પેલા ભાઈ આવ્યા હતા… શું નામ ? સુરેન્દ્ર ! હા. એમણે તમારે માટે સાચું જ કહ્યું હતું.’
‘મારે માટે ?… સુરેન્દ્રે શું કહ્યું હતું ?’
‘કે તમે સેક્રેટરી તરીકે ઘણા દક્ષ નીવડશો… જ્યોત્સ્નાની રૂબરૂમાં એમણે તમારી ભલામણ કરી હતી.’
‘જ્યોત્નાબહેનની રૂબરૂમાં ? એ સુરેન્દ્ર અહીં ક્યાંથી ?’