પૃષ્ઠ:Snehashristi.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સ્ત્રીના શિકાર : ૪૯
 

ઉપજાવી. પછી તો રાવબહાદુરની જીવનરેખા મોકલવાની તજવીજ થઈ. કાગળોના જવાબો પણ ઝડપથી પસંદ કરાવાયા અને પદ્મપરાગના પુસ્તકની પણ ભલામણ થઈ - જે ભલામણને અંગે પાંચસોને બદલે હજાર રૂપિયા છપામણી અર્થે લેખકને આપવા રાવબહાદુર રાજી થયા.

અને સંધ્યાકાળ થયો. રાવબહાદુરે તેને જવાની રજા આપી. જતાં જતાં ઘરની અંદર જઈ જ્યોત્સ્નાને મળવાની ઇચ્છા સહ મધુકરે ખંડનું દ્વાર ખોલ્યું અને બહાર નીકળવાને રસ્તે જ એણે પોતાની સામે જ્યોત્સ્ના અને સુરેન્દ્રને સાથે સાથે આવતાં દીઠાં મધુકરની આંખ ફરી ગઈ. છતાં હસતું મુખ રાખી તેણે જ્યોત્સ્નાને નમસ્કાર કર્યા.

‘હલો ! તું છે કે ?… ઠીક છે ત્યારે ! સુરેન્દ્ર અને તું બન્ને અળી ગયાં.’ મધુકરે સુરેન્દ્ર નામ ઉપર ભાર મૂકી કહ્યું.

‘બાય બાય ! બંને સાથે જઈ શકો છો.’ કહી ઝડપથી જ્યોત્સ્ના પાછી ફરી અદૃશ્ય થઈ ગઈ.

સુરેન્દ્રે સાહજિક રીતે કહ્યું : ‘મધુકર ! તને રાવબહાદુર પાસે ઠીક ફાવશે.’

‘અને તને જ્યોત્સ્ના પાસે ! નહિ ?’ કહી કટાક્ષભર્યું સ્મિત મધુકરે કર્યું.

સુરેન્દ્ર જરા ચમક્યો. તેની આંખ સહજ સ્થિર બની અને તેણે કહ્યું :

‘મધુકર ! આપણે પારકા ઘરમાં છીએ. બાગબગીચાની અગર રસ્તાની સાર્વજનિક જીભ અહીં ન વપરાય.’

‘એમ કે ? તારી શિખામણ માટે જરૂર પડ્યે હું ઉપકાર માનીશ પણ તું જરાય મનમાં માનતો નહિ કે હું તારી મહેરબાની ઉપર જીવું છું.’

‘મધુકર ! મિત્રો વચ્ચે મહેરબાની કેવી ?’

‘તને મેં ક્યારે કહ્યું હતું કે તારે અહીં મારી ભલામણ કરવી ?’

‘તેં વારંવાર નોકરીની ઈચ્છા મારી આગળ બતાવી છે.’

‘હું તો અહીંની નોકરીની વાત કરું છું… આ બંગલામાં તારી મહેરબાની મારે ન જોઈએ.’

‘એમાં તને મારી મહેરબાની લાગતી હોય તો હજી આ જગ્યા તું છોડી શકે છે. રાવબહાદુરને બીજા સેક્રેટરી મળી રહેશે. હું તને આગ્રહ નહિ કરું.’

મધુકરની આંખમાં ખૂનભરી તલવાર ચમકી રહી. તેણે ધીમેથી - અત્યંત ધીમેથી પરંતુ ઝેરભરી વાણીમાં કહ્યું :

‘હું આ જગ્યા છોડું ? પહેલાં આ ઘરને અને જ્યોત્સ્નાને તારાથી