પૃષ્ઠ:Snehashristi.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૦ : સ્નેહસૃષ્ટિ
 

છોડાવીશ... પછી જ જરૂર પડ્યે આ જગા છોડીશ.’

સુરેન્દ્ર સહજ હસ્યો અને બોલ્યો :

‘તારા માનસની મને સમજ પડતી નથી.'

'શાની પડે ? તારે શિક્ષક બની જ્યોત્સ્નાની અંગત બાજુએ રહેવું છે... અને મને...'

શબ્દો અસ્પષ્ટ બની ગયા અને બન્ને મિત્રો પગથિયાં ઊતરી અંધકારમાં અદૃશ્ય થયા.

જ્યોત્સ્ના એક વિશાળ થાંભલાની આડે ઊભી રહી અદૃશ્ય બની બંને મિત્રોની વાત સાંભળી રહી હતી. એણે પાછાં પગલાં ભર્યા. અને મનમાં વિચાર રમી રહ્યો : મધુકર એમ જ માને છે કે સ્ત્રીઓ એનો શિકાર થવા સર્જાઈ છે !