પૃષ્ઠ:Snehashristi.pdf/૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨ : સ્નેહસૃષ્ટિ
 

હૃદય પ્રમાણે ફરે પણ ખરું ! હૃદયપરિવર્તન એ કાંઈ સદાય પાપ ગણાય નહિ.

રાવબહાદરના ઘરમાંથી સંધ્યાકાળે નીકળતાં નીકળતાં મધુકરે સુરેન્દ્રને ધમકી આપી હતી. જેનો શરૂઆતનો ભાગ જ્યોત્સ્નાએ પણ છુપાઈને સાંભળ્યો હતો. સુરેન્દ્રને ધમકીની જરૂર ન હતી. ચબરાકીમાં ચઢિયાતો મધુકર સુરેન્દ્ર કરતાં શારીરિક શક્તિમાં વધારે બળવાન હોય એમ સુરેન્દ્ર તો માનતો જ ન હતો; પરંતુ મધુકર સુધ્ધાં માનતો ન હતો. કસરત, સંયમ, ગરીબી અને ખડતલપણામાં શ્રદ્ધા રાખતો સુરેન્દ્ર પોતાના દેહને ખૂબ મજબૂત બનાવી શક્યો હતો. અને મધુકર પણ સહુને સરસાઈમાં સારો દેખાવ માટે થોડી કસરત અને વધારે ભાગે સફાઈદાર અંગ્રેજી રમત રમતો હતો ખરો; છતાં તેની મોજશોખની ટેવ અને મોટાઈનો પ્રેમ તેના દેહને સુરેન્દ્ર જેવી સુઘડતા આપી શક્યાં નહિ. ધમકી સાંભળી તેની ફરજ સહજ હસી સુરેન્દ્ર તેને મૂકી બીજે રસ્તે ચાલ્યો ગયો હતો. અને જતાં જતાં કહેતો ગયો હતો :

‘તારી યોજનામાં મારી સંમતિ છે. તારી ધમકી સાચી પડશે એ દિવસે હું બહુ રાજી થઈશ.’

‘સાચું કહે છે ?’ મધુકરે પૂછ્યું.

‘તું જાણે છે, હું બનતાં સુધી જૂઠું બોલતો નથી.’

‘તો તારી સચ્ચાઈની વાત હું કહું જ્યોત્સ્નાને ?’

‘હા, શા માટે નહિ ? જોકે મેં ક્યારનીય એ વાત જ્યોત્સ્નાને જણાવી દીધી છે.’ એટલું કહી સુરેન્દ્ર મધુકરથી છૂટો પડ્યો અને પોતાના ઘર તરફ આગળ વધી રહ્યો. શ્રીલતાને ખસેડી નાખવાની વિચારશ્રેણી આગળ લંબાય તે પહેલાં જ તેને જાણે ભાસ થયો કે રાત્રિના દીપકપ્રકાશમાં શ્રીલતા જ સામેથી આવતી હતી. મધુકર સહજ ચમક્યો, અને ઝડપથી તેણે પાસેની ગલીમાં થઈને બીજો માર્ગ ગ્રહણ કર્યો. એ માર્ગ સહજ લાંબો હતો. અને તેને એ પણ ભાસ થયો કે શ્રીલતાએ તેને જોયો હતો અને કદાચ તેને ‘હલ્લો, મધુકર !’ જેવી કંઈક બૂમ પણ પાડી હતી, પરંતુ એણે જાણે કાંઈ જોયું ન હોય અને સાંભળ્યું ન હોય એવો દેખાવ કરી આડે રસ્તે ગુમ થઈ જવામાં સલામતી શોધી. અને શ્રીલતાથી બચીને સહેજ લાંબે રસ્તે પોતાને ઘેર પહોંચ્યો.

ઘેર પહોંચ્યો ત્યારે તેનાં માતાપિતા ઘેર જ બેઠાં હતાં. મધુકરની ઉડાઉ રીતભાત પિતાને પસંદ ન હતી એટલે પિતા તો તેની સાથે બહુ વાતચીત પણ કરતા નહિ. જોકે તેને સારી નોકરી મળવાથી તેઓ રાજી થયા