પૃષ્ઠ:Snehashristi.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪ : સ્નેહસૃષ્ટિ
 

‘એવું શું બનતું જાય છે ? ભણેલી છોકરીઓ પણ વહેમી બને તો દુનિયામાં રહેવાશે કેમ ? જો, હું તો આ બધી વસ્તુઓ લેવા સારું ગયો હતો અને તું જાણે છે કે જે રસ્તે હું આજે ગયો તે જ રસ્તે આ બધી વસ્તુઓ સારી મળે છે.’ કહી તેણે બેસતી વખતે મૂકેલાં કેટલાંક પડીકાં તરફ આંગળી દેખાડી.

‘એ તું જાણે. મને તો જે લાગ્યું કે હું કહું છું. અને મને અગર કોઈને પણ તારી રીતભાત એવી જ લાગે એમાં નવાઈ નથી.’

‘શાની નવાઈ નથી ?’

‘એક અગર બીજે બહાને તું જ્યોત્સ્નાને શોધતો જાય છે, એ જોયા પછી તારા વર્તનની નવાઈ ન જ લાગે.’

‘શ્રીલતા ! શાને વહેમાય છે ?’ મધુકરે જાણે પોતાને ઘણી લાગણી થઈ હોય એવી ઢબે કહ્યું.

‘હું તો કાંઈ વહેમાતી નથી. પણ હવે આજથી તને ચેતવણી આપતી જાઉ છું કે જ્યોત્સ્ના કદી તને પરણે નહિ - તું માથું કૂટીને મરી જાય તોપણ એટલું - ધ્યાનમાં રાખજે.’

‘ચાલ, આપણે હવે વાત બદલી નાખીએ. મારાં માબાપ જૂના વિચારનાં છે.’

‘તે હું તારા જૂના વિચારનાં માબાપને બધું કહેતી જાઉં ?’

‘શું ?’

‘કે તેં મને લગ્ન કરવાનું વચન આપ્યું હતું ?’

‘શ્રીલતા, માફ કર ! આવી વાત હમણાં મારાં માબાપને કરીશ જ નહિ. મારું ઘર તું જુએ છે. હું તને મારા ઘરમાં - તારે લાયક ઘરમાં રાખી શકું નહિ ત્યાં સુધી લગ્નનો વિચાર મને શરમ ઉપજાવે છે… કદાચ એને લીધે જ હું તને નહિ મળતો હોઉં એમ કેમ ધારતી નથી ?’

‘વારુ, મધુકર ! હું તને તક આપતી જાઉં છું… પરંતુ વચનભંગ ન થાય તે જોજે… નહિ તો મારે કળ બળ કરીને વચન પળાવવું પડશે. વચનો તોડવા માટે ન જ હોય.’ કહી શ્રીલતા ઊભી થઈ.

‘અરે, અરે !… એમ શું ? ડિયર શ્રીલતા !… જવું છે, એમ ?… હું મૂકી જાઉં ?’ કહી શ્રીલતાને વાંસે હાથ મૂકી ખંડના બારણા તરફ મધુકરે તેને સાથ આપ્યો. પ્રેમ હોય તોય અને પ્રેમ ન હોય તો સ્ત્રીપુરુષના પરસ્પર સ્પર્શ આજની દુનિયામાં સોંઘા બનતા જાય છે.