પૃષ્ઠ:Snehashristi.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ચાર આંખઃ ૫૯
 

ગિરિજાપ્રસાદનો ભાગ્યસિતારો વધારે અને વધારે તેજથી ચમકવા લાગ્યો અને કનક તો દેશસેવાની ધૂનમાં કૈંક કાવતરામાં સંડોવાઈ કેદમાં ગયો, અને કેદમાં ન હોય તો ત્યારે ભૂગર્ભમાં અદૃશ્ય થતો ગયો. એની પત્ની અને એનો એક પુત્ર કદી કદી ગિરિજાપ્રસાદને મળતાં. પરંતુ ધીમે ધીમે એ સંબંધ પણ ઘસાઈ ગયો. કનકની પત્નીને કે પુત્રને સઘન બનતા જતા ગિરિજાપ્રસાદને આર્થિક કે સામાજિક સહાયની બહુ ગરજ હોય એમ લાગ્યું નહિ. મોટા બનતા જતા માનવીના નાનપણના મિત્રો ભુલાઈ જ જાય છે - ભુલાવા માટે જ સર્જાયા હોય છે. ભૂલવાપાત્ર માનવીઓ ભુલાઈ જાય અને ઊંચે ચડવાપાત્ર માનવીઓ ઊંચે ચડે એ વિશ્વક્રમ અનુસાર ગિરિજાપ્રસાદ ઊંચે ચડતા ગયા અને મિત્ર કનક અને તેનું કુટુંબ ધીમે ધીમે વિસરાઈ ગયું. વર્ષો સુધી પરસ્પર ન મળવાને કારણે ઓળખાણ ન જ રહે એ સમજી શકાય એમ હતું. કદી સ્મરણમાં કનક ધસી આવતો, પરંતુ તે ઝડપથી પાછો નીકળી જતો. ગિરિજાપ્રસાદ ધનિક બન્યા, બંગલો અને કારના માલિક બન્યા, અંગ્રેજી અમલમાં રાવબહાદુર બન્યા, અને દેશસેવકોને મદદ કરવાની આછીપાતળી શંકા તેમના ઉપર આવી ન હોત તો તેઓ ‘સર’ પણ બન્યા હોત.

આમ તેઓ સર્વાંશે સુખી હતા. માત્ર તેમને એક જ દુઃખ હતું. રાવબહાદુરને પુત્ર ન હતો; એક પુત્રી હતી. પરંતુ તેમણે અને તેમનાં પત્નીએ થોડા સમય પુત્રહીનતાનું દુઃખ અનુભવી અને પુત્રીમાં જ પરમ સુખ માની લીધું હતું. પુત્રી દેખાવે ઘણી સારી હતી; ભણવામાં પણ એની પ્રગતિ સંતોષકારક હતી; સહજ અતડી રહેતી હોવાથી મિત્રો અને બહેનપણીઓના અતિ સહવાસથી તે દૂર રહેતી, અને તેને લીધે અનેક પ્રસંગો, કુથલીઓ અને આક્ષેપોથી હજી તેનું નામ અળગું રહ્યું હતું. પુત્રપુત્રીનાં લગ્ન એ માબાપની દખલનો વિષય ભલે ન બને, માબાપની સત્તાના વર્તુળમાં એ ભલે ન આવે, છતાં માબાપની કાળજી અને ચિંતાનો પણ એ વિષય ન બને એમ માનવું એ માબાપના વાત્સલ્યની કિંમત ન સમજવા સરખું છે. રાવબહાદુરને અને યશોદાને જ્યોત્સ્ના માટે યોગ્ય વર શોધવાનું મન થાય એ સ્વાભાવિક હતું. પરંતુ હજી સુધી તેમને નજરમાં એવો કોઈ યુવક આવ્યો લાગ્યો ન હતો, અને જ્યોત્સ્ના તો જાણે પ્રેમ સરખી દુનિયા છે જ નહિ એવો ભાસ આપી માતાપિતાના સ્વાસ્થ્યને ધક્કો આપતી જ નહિ - જોકે વયે આવતાં પુત્રપુત્રી પ્રેમદુનિયાને ન ઓળખે એવાં ભોળાં હોય છે એમ માનનાર માતાપિતા ભુલભુલામણીમાં જ રમે છે !

એકાએક વિચિત્ર ઢબે આ નાનકડા સુખી કુટુંબમાં બે યુવકોએ