પૃષ્ઠ:Snehashristi.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૨:સ્નેહસૃષ્ટિ
 

યુગમાં કીર્તિ મળે કોઈ વીરને, સંતને, સતીને કે દાનેશ્વરીને. આજ કીર્તિ મેળવવા કોઈએ વીર બની માથું કપાવવાની જરૂર નથી. સંત બની સ્વાર્થત્યાગ કરવાની જરૂર નથી, સતી બની ચિતા ઉપર ચઢવાની જરૂર નથી. ધન તો એક પાસ એટલું ઊભરાવી શકાય છે કે કંજૂસમાં કંજૂસ માનવી પણ આજ દાનેશ્વરી સહેલાઈથી બની શકે એમ છે. એને ધન વૈભવનો જરાય ત્યાગ કરવાની જરૂર નથી. ધન જ એને વીર, સંત, સતિયો અને દાનેશ્વરી બનાવી શકે એમ છે.

કીર્તિશોખીનોને કીર્તિનો પ્રકાશ બહુ સ્થાનેથી મળી શકે એમ છે. સભાઓ અને સમાજ જોઈએ એટલા પ્રમાણમાં સ્થપાય છે, ઉથાપાય છે અને નવા સર્જાય છે. પ્રત્યેક સભાને શોભાવવા માટે પ્રમુખ તો જોઈએ જ. એ સનાતન કીર્તિસ્થાન ઉપર બિરાજી કાંઈ પણ કર્યા વગર એકાદ ભાષણ કે આછુંપાતળું દાન કરીને કીર્તિ મેળવી શકાય છે. લગભગ બધી જ સભાઓ અને બધાય સમાજના ઉદ્દેશો તો સેવાના જ હોય છે - જેમાં જાત, પહેલાં સેવાનો મુદ્રાલેખ આપતી ભપકાદાર રોટરી ક્લબ હમણાં હમણાં સમાજનો મુગટમણિ પણ બની રહી છે. સેવા શી થઈ છે એ તો ઊજળાવાજળા ચા-ખાણમાં મશગૂલ રહી કદી કૃપા કરી ભાષણો સાંભળતા રોટેરિયન બંધુઓ જાણે ! પરંતુ જાત પહેલાં સેવા - ‘Service before self’ સરખો મુદ્રાલેખ પણ આપવો એ નાની સેવા ન જ કહેવાય ! રાવબહાદુરને ધાર્યા કરતાં વધારે કીર્તિ મળવા લાગી અને મધુકરની સહાય મળતાં સભાઓના પ્રમુખપદ, વક્તાપણું, મુલાકાત, અભિપ્રાય અને વર્તમાનપત્રોની જાહેરાત વડે કોઈ પણ કીર્તિવાંછુને સંતોષ થાય એટલી કીર્તિ રાવબહાદુરને મળવી શરૂ થઈ ગઈ.

રાવબહાદુરને તો કીર્તિ મળે એ સમજી શકાય પરંતુ મધુકરની દક્ષતા યશોદાબહેનને પણ કીર્તિના તેજવર્તુલમાં લાવી શકી. મુલાકાત પણ વધી પડી. અને બપોરના ચારના ટકોરા થાય એટલે મધુકર આરામ લેતાં યશોદાબહેન પણ ખબર લાવે :

‘હવે સ્ત્રીમંડળના સભ્યો આપની મુલાકાતે આવવા જોઈએ.’

‘ક્યાં આ જંજાળ તમે ઊભી કરી, મધુકર !’ યશોદાબહેન અણગમો બતાવી કહેતાં. જોકે મુલાકાતે આવનારી સ્ત્રીઓની રાહ જોતાં ખરાં !

‘મોટાઈની પણ કિંમત આપવી પડે, યશોદાબહેન !’

‘આપણે નથી મોટાં થવું.’ યશોદાબહેન કહેતાં. મોટાઈ પ્રાપ્ત કરનારને મોટાઈ ગમતી નથી એમ કહેવું ઠીક ઠીક સહેલું અને સોહામણું છે.