તે સિવાય સાધનસંપન્ન માનવી આટઆટલા સૌંદર્યને, શોભાને પોતાની આસપાસ કેમ ખડકતાં હશે ? અને કદાચ સૌંદર્યની અતિશયતા સૌંદર્યને, પણ કદરૂપું બનાવી દેતી હશે ખરી ? નહિ તો જ્યોત્સ્નાના ખંડને દિપાવે એવા મધુકરને સ્થાને વસ્ત્રસૌંદર્યનો વિરાગી સુરેન્દ્ર શા માટે ત્યાં બેઠેલો હોવો જોઈએ ?
એક સીધી ખુરશી ઉપર અત્યારે સુરેન્દ્ર બેઠો હતો અને એક પુસ્તકમાંથી જ્યોત્સ્નાને નોંધ લખાવતો હતો. જ્યોત્સ્ના આરામખુરશી ઉપર સામે બેઠી હતી અને બન્નેની વચમાં એક નાની ટીપોઈ પડી હતી. સુરેન્દ્રની આંખ પુસ્તકમાં હતી છતાં એણે જોયું તો જ્યોત્સ્ના પગ સહજ હલાવી રહી હતી. સુરેન્દ્રે પુસ્તકમાંથી આંખ ઊંચકી સીધું જોયું તો જ્યોત્સ્ના નોંધ લખતી બંધ પડી હતી, અને નોંધપુસ્તકને બાજુએ મૂકી માથાની વેણીનું એક ફૂલ તોડી ટીપોઈ ઉપર મૂકી રહી હતી. બહુ વાંચીને કંટાળતી જ્યોત્સ્ના અભ્યાસ બંધ રખાવવા આવાં આવાં ચિહ્નોનો ઉપયોગ કરતી. સુરેન્દ્ર સમજ્યો અને જ્યોત્સ્નાને તેણે પૂછ્યું :
‘આગળ વાંચવું નથી, જ્યોત્સ્ના ?’
‘ના.’ જ્યોત્સ્નાએ જવાબ આપ્યો.
‘હવે થોડો જ ભાગ વાંચવાનો રહ્યો છે. જરા વારમાં પુસ્તક પૂરું થઈ જશે.’
‘વાંચવા માટે પુસ્તક સિવાય બીજું કંઈ જ સર્જાયું નહિ હોય. સુરેન્દ્ર’ જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘શા માટે નહિ ? કલાકારો રંગરેષાને વાંચે. પ્રકૃતિપ્રેમીઓ વૃક્ષપુષ્પને વાંચે. કવિઓ માનવ ઊર્મિઓને વાંચે અને ફિલસૂફો સમાજઘટનાને વાંચે. જેવી જેની આંખ.’ સુરેન્દ્રે એક શિક્ષકની અદાથી સમજૂતી આપી.
‘તને આંખ છે ખરી, સુરેન્દ્ર ?’ જરા રહી જ્યોત્સ્નાએ પૂછ્યું.
‘હા, પુસ્તક વાંચવા પૂરતી - અહીંને માટે…’ સુરેન્દ્રે જવાબ આપ્યો.
‘એટલે… તને એક જ આંખ છે… જે પુસ્તક જ વાંચી જાણે છે.’ જ્યોત્સ્નાએ કહ્યું.
‘મને બે આંખો છે, જ્યોત્સ્ના… અને તે બહુ બહુ દૂર સુધી જઈ શકે છે.’ સુરેન્દ્ર વિસ્તારથી જવાબ આપ્યો.
‘એમ જ હોય તો તને ઈશ્વરે ચાર આંખ આપવી જોઈતી હતી.’
‘કેમ એમ ? સહુ માનવીથી જુદી જ રચના ? મારે માટે ?’
‘તારે માટે ખાસ રચના જરૂરી છે. તારી બે આંખો તો સાથે ઊઘડે