પૃષ્ઠ:Snehashristi.pdf/૭૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬૮:સ્નેહસૃષ્ટિ
 

જ્યોત્સ્ના હસતે હસતે બોલી.

‘ખરું ને ? મારી મર્યાદાઓ જોતી ચાલ.’

‘બીજી તો કયી મર્યાદા ? તું કૃષ્ણ ભલે ન હોઉં પણ તું… બાલબ્રહ્મચારી તો જરૂર છે… યોગેશ્વર નહિ તો યોગી તું જરૂર છે.’

‘તને જે લાગે તે ખરું. છતાં… મારા વૃન્દાવનમાં દૂધદહીંની મટુકીઓ અને ગૌરસ નથી, સહુની છત્રછાયા બને એવો ગિરિરાજ ગોવર્ધન નથી, રાસની રમઝટ નથી, કૃષ્ણની બંસરી નથી… સમજી જ્યોત્સ્ના ?’

‘તો તારા વૃન્દાવનમાં છે શું ?’

‘મારા વૃન્દાવનમાં તો ગરીબી છે, આંસુ છે, ભૂખ છે, નિશ્વાસ છે. કરાલ રુદન છે.’ સુરેન્દ્ર જરા જુસ્સાથી બોલી ઊઠ્યો અને પછી ઊભો થયો. જ્યોત્સ્ના પણ સાથે જ ઊભી થઈ અને એણે પૂછ્યું :

‘સુરેન્દ્ર ! મને બતાવીશ તારું એ વૃન્દાવન ? મારે એ બધુંય જોવું છે અને સાંભળવું છે.’ જ્યોત્સ્નાએ પણ ઊભા થઈ કહ્યું.

સુરેન્દ્રના મુખ ઉપર અશ્રદ્ધા, અવિશ્વાસ અને અણભરોંસો સ્પષ્ટ તરી આવ્યાં. એણે કહ્યું :

‘જ્યોત્સ્ના ! માફ કરજે… પણ તને હું બતાવીશ તોય એ વૃન્દાવન તને ભાગ્યે જ દેખાય. તારી દુનિયા જ જુદી છે.'

‘ભલે જુદી રહી, તું એ બંને દુનિયા જોઈ શકે તો હું કેમ ન જોઈ શકું? મારે પણ આંખ નથી શું ?’

‘હવે… હું તને કહી શકું કે એ દુનિયા જોવા માટે ચાર આંખની જરૂર છે ?’ સહજ હસીને સુરેન્દ્ર જ્યોત્સ્નાના શબ્દો જ એને પાછા આપ્યા.

‘થઈ જશે ચાર આંખ. બે મારી તો છે જ; તારી બે આંખ મને જરા ઉછીની આપજે.’ જ્યોત્સ્નાએ પણ સામે હસીને કહ્યું.

‘કોઈની ઉછીની આંખે એ ન દેખાય, જ્યોત્સ્ના !’

‘તોય હું આવીશ તારી સાથે. મારે એ દુનિયા જરૂર જોવી છે.’

‘મારી સાથે ? ઘેલી ! હું તો પગે ચાલતો માણસ !’

‘પગ તો મારેયે છે… અને હુંયે ચાલું છું પગથી જ. ચાલ, હું તને મૂકી જાઉં… જ્યાં જવું હોય ત્યાં…’ કહી પ્યાલી બાજુએ મૂકી જ્યોત્સ્ના સુરેન્દ્ર સાથે જવા તૈયાર થઈ. ધનિકોનાં ગૃહવસ્ત્રો જ એવાં હોય છે કે જે ગરીબ લગ્નવસ્ત્રો કરતાં વધારે સારાં હોય. આમ નિત્ય તો એક કલાકે તૈયાર થનાર જ્યોત્સ્નાને અત્યારે તૈયાર થવાની જરૂર જ લાગી નહિ. દિવસનો