પૃષ્ઠ:Snehashristi.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃન્દાવન:૭૩
 

દવાખાનામાં ગયો. સદ્ભાગ્યે પા કલાકમાં તે પાછો આવી શક્યો. તેના હાથમાં દવાની શીશી હતી, તે તેણે કારમાં મૂકવા માંડી. એને ભય લાગ્યો કે માનવીના દેહને સુધારનારી આ દવા કારના દેહને ડાઘા પાડે એવો સંભવ છે. વાંચનમાં મશગૂલ બનેલી જ્યોત્સ્નાએ શીશી માટે કારમાં સ્થાન શોધતા સુરેન્દ્રને કહ્યું :

‘તું બેસી જા એક વાર, અને હું બતાવું શીશી ક્યાં મૂકવી તે.’

‘હજી બીજી પાંચ મિનિટ મને આપ.’

‘વારુ, શીશી મને સોંપ.’

‘એમાં દેહ છે… પ્રેમ નથી.’

‘જે હશે તે. તારી શીશી સલામત રાખીશ. વિશ્વાસ મૂક મારા ઉપર.’ જ્યોત્સ્નાએ કહ્યું અને સહજ હસતો સુરેન્દ્ર ક્યાંક ચાલ્યો ગયો. પાંચેક મિનિટમાં તે આવ્યો અને તેના હાથમાં છ મોસંબી હતી… માનવજાતના મોટા ભાગ જેવી… ચીમળાયલી… કરચલી પડેલી !

‘આવા ફળ આવે છે ?’ સાથે બેસી જતા સુરેન્દ્રને જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘આવાંયે મળે છે એ ઈશ્વરનો આભાર !’ સુરેન્દ્રે કહ્યું અને જ્યોત્સ્નાએ કાર ચલાવી.

‘માની તબિયત સારી નથી ?’ જ્યોત્સ્નાએ કાર ચલાવતાં પૂછ્યું. એ જાણતી હતી કે સુરેન્દ્રની સંભાળ માટે એક મા હતાં.

‘એ તો ઠીક છે. પણ મારા વૃન્દાવનમાંની એક મા માટે હું આ દવા અને ફળ લઈ જાઉં છું… હવે એ વૃન્દાવન આવી પહોંચ્યું છે.’

‘આ વૃન્દાવન ?’

‘હા. આ જ મારું ભયંકર વૃન્દાવન. મેં કહ્યું હતું એ બધું જ તને અહીં દેખાશે. બીશ તો નહિ ને ?’

‘બીશ તોય હું આવીશ.’

‘તો અહીં જ કારને રોકી લે. બેસીશ કારમાં ?… કે જોડે આવીશ ?’

‘કારમાંથી તારું વૃન્દાવન દેખાશે ખરું ?’

‘ના, જરાય નહિ.’

‘તો હું તારી સાથમાં જ છું… પગે ચાલીને.’ જ્યોત્સ્નાએ કહ્યું અને બંને જણ કારમાંથી ઊતર્યા.

મહોલ્લામાં કાર જઈ શકે એમ હતું નહિ. કારમાંથી ઊતરી અંદર મેલાં ઝૂંપડાં અને ઝૂંપડાં કરતાં પણ વધારે મેલી ચાલોમાં જવાનું હતું. ઊતરતા બરોબર એક બાજુએથી ઝડપી કાર જતી બન્ને જણે જોઈ. એ