કારમાં રાવબહાદુર, યશોદા અને મધુકર બેઠેલાં દેખાયાં. કારની ઝડપ ઘણા ઘણા ભ્રમ ઉપજાવે છે. જ્યોત્સ્નાની તો ખાતરી જ હતી કે એ ત્રણે જણ મધુકરની સલાહ અનુસાર જ્યોત્સ્નાની કાર પાછળ જ આવી રહ્યાં હશે ! સુરેન્દ્રે ન કારને ઓળખી ન બેસનારને.
એક ઝૂંપડીનો ઝાંપો સુરેન્દ્રે ખોલી નાખ્યો. ઝૂંપડીમાં ઠીકઠીક અંધારું પણ હતું. વસ્તુઓ વ્યવસ્થિત તો હોય જ શાની ? એક તુટેલો ખાટલો ઊભો કરી મૂક્યો હતો, એના ઉપર એક ચીંથરાની ગોદડી લટકાવી રાખી હતી. જમીન ઉપર એક ગોદડી પાથરી તેના ઉપર એક વૃદ્ધા સુતી હતી; વૃદ્ધાએ એવી જ એક ગોદડી ઓઢી હતી. ઝાંપો ઊઘડતા બરોબર વૃદ્ધાએ આંખો ઉઘાડી. પ્રકાશ આછો થતો જતો હતો. એમાં આકૃતિ શોધવા મથતી વૃદ્ધાએ પૂછ્યું :
‘કોણ હશે ?’
‘એ તો હું છું, મા !’
‘સુરેન્દર છે ?’
‘હા મા ! ઓળખ્યો મને ?’
‘તને ના ઓળખું ?… મને જીવતી રાખી એને ?’
‘હું દવા લાવ્યો છું. પી લેશો ?’
‘આજ તાવ નથી… કાલ પણ ન હતો… શું કરવા લાવ્યો ?’
‘ડૉક્ટરે કહ્યું છે કે બે દિવસ વધારે દવા લો.’
‘દીકરા ! હવે ન લાવીશ.’
‘કેમ ?’
‘મારી તો ખપ વગરની જિંદગી… બધાંયને ભાર રૂપ. હવે મને જિવાડીને કરશો શું ?’
‘અરે મા ! તમે છો તો દીકરો રાત્રે ઘેર આવે છે…’
‘ભલા ભગવાન ! મોહ છૂટતો નથી. ભારણ રૂપ તો છું જ, પણ કોણ જાણે કેમ, હજી… દીકરા ! આ તારી સાથે કોણ છે ?’
‘છે કોઈ, મા ! મોટાં માણસ છે.’
‘દીકરા ! પરણ્યો કે શું ? ભગવાન તમને સદાય સુખી રાખે ! જોડું…'
'મા ! એવું કાંઈ નથી.’
‘આ હસે છે ને બહેન ?’ વૃદ્ધાએ કહ્યું. વૃદ્ધાની કલ્પના ખરેખર જયોત્સ્નાને હસાવી રહી હતી. એ વાંચતી હતી એ નવલકથાનું મધ્યબિંદુ, સ્ત્રીપુરુષના સનાતન આકર્ષણ ઉપર જ રચાયું હતું. વૃદ્ધાવસ્થા પણ એ