છે… આપણે આ ચાલીમાં પ્રવેશ કરવાનો છે હજી.’
ઓરડીઓની હારમાળા સરખી એક ચાલી સામે જ હતી. એમાં સ્વચ્છતાનું નામનિશાન ન હતું, છતાં સેંકડો માનવીઓ સહકુટુંબ એક એક ઓરડીમાં નિવાસ કરી રહ્યાં હતાં. એમાંની એક ખોલીમાં પ્રવેશ કરી જ્યોત્સ્ના અને સુરેન્દ્રે એક અંધ મધ્યવયી પુરુષનો મેળાપ કર્યો. સુરેન્દ્રનો કંઠ એ પરખી જ ગયો હતો. એ અંધ પુરુષની પાસે આવી ઘણુંખરું સુરેન્દ્ર કાંઈ અને કાંઈ વાંચન કરતો હતો. પુસ્તકનું કે વર્તમાનપત્રનું. આંખ ગુમાવનારની બીજી બધી ઈંદ્રિયો જીવંત બની રહે છે. સુરેન્દ્ર એકલો આજ ન હતો એવો ભાસ ક્યારનોયે મધ્યવયી અંધ પુરુષને થયો હતો ખરો. વાંચનના શોખીન એ માનવીએ મધ્યવય આવતા પહેલાં તો પોતાની આંખ અને નોકરી બંને ખોયાં. આજનો સમાજ કાંઈ સદાવ્રત નથી કે જે અંધોનું મફત પાલનપોષણ કરે ! એના જીવનમાં અંધકાર આવી સામે ઊભો. નોકરી માટે અયોગ્ય બનેલી આંખના ધારણ કરનાર એ પુરુષની પત્ની દુઃખ ભોગવતી ગુજરી ગઈ, બે બાળકો પણ મૃત્યુશરણ થયાં, અને એક જીવંત રહેલા પુત્રે ભણતર છોડી એક કારખાનામાં મજૂરી સ્વીકારી અને એમાંથી પિતાપુત્રનું પોષણ અગર અર્ધપોષણ થતું. સુરેન્દ્ર ઘણુંખરું એકાદ કલાક અહીં આવી આ વાંચનશોખીન પુરુષને વર્તમાનપત્ર વંચાવી જતો હતો. આજ વર્તમાનપત્ર કાઢ્યું અને જયપ્રસાદે સુરેન્દ્રને પૂછ્યું :
‘એકલા નથી, ભાઈ ! ખરું ?’
એ અંધનું નામ જયપ્રસાદ હતું. સરસ નામ સાથે ચાલીમાં રહેવું એ વિચિત્ર જરૂર લાગે. છતાં નામ અને સંજોગનો મેળ આ દુનિયામાં હોતો નથી.
‘ના જી.’
‘કોણ છે સાથમાં ?’
‘એક કૉલેજ-મિત્ર છે.’
‘બહેન લાગે છે.’
‘હા જી.’ કહી સુરેન્દ્રે વર્તમાનપત્રનું વાચન શરૂ કરી દીધું. આખા ચોવીસે કલાકના બનાવોની હકીકત વાંચીને અંધ જયપ્રસાદનું મન બહુ પ્રફુલ્લ થયું. જગતના ક્રમમાં આપણાથી જરાય ફેરફાર થાય એમ ન હોવા છતાં જગતપ્રસંગોનું વાચન એ આપણું નિત્ય વ્યસન બની ગયું હોય છે. સુરેન્દ્રે વિકસિત અને સંસ્કારી જગતના છેલ્લા સમાચાર વાંચ્યા :
‘ઍટમ બૉમ્બનો છેલ્લો અખતરો…’ અને બારણા ઉપર ટકોરા