વાગ્યા. બારણું બંધ તો હતું જ નહિ. બારણું ઉઘાડી એક થાકેલો યુવક અંદર આવ્યો. સંધ્યાકાળ સ્થાપન થઈ ચૂક્યો હતો. અને જયપ્રસાદે પૂછ્યું :
‘ભાઈ ! આવ્યો ?’ જયપ્રસાદના કંઠમાં વાત્સલ્ય હાલી રહ્યું હતું. જ્યોત્સ્નાએ જરા નવાઈ અનુભવી. આવી ઝૂંપડીઓ ને ચાલોમાં પ્રેમ અને વાત્સલ્ય વિકસી શકે ખરાં ?
યુવકે જવાબ આપ્યો :
‘હા જી. હું જાણતો હતો કે સુરેન્દ્રભાઈ આવીને કાંઈ વાંચતા જ હશે. હું તો સવારનો જાઉ છું તે અત્યારે થાકીને આવું છું…’ કહી એ યુવકે સુરેન્દ્રની સાથે સ્થાન લીધું. અંધ જયપ્રસાદથી બોલાઈ ગયું :
‘મારી જિંદગી ટકી રહી છે આ સુરેન્દ્રના વાંચન વડે. સુરેન્દ્રનું ભલું થાઓ. એનું ભલું ન થાય તો માનજો કે વિશ્વમાં પ્રભુ નથી.’
જ્યોત્સ્ના સુરેન્દ્ર સામે જોઈ રહી. આ વૃન્દાવન ન હતું - પરંતુ દોજખને પણ વૃન્દાવનમાં ફેરવી નાખવા મથતા એક યોગીની પ્રયોગશાળા હતી !
આ યોગીના હૃદયમાં તો જરૂર વૃન્દાવન વિકસ્યું હતું !