પૃષ્ઠ:Snehashristi.pdf/૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વૃન્દાવનની કુંજગલી : ૭૯
 

પોતાના પિતાની સામે મૂકી આંખ રહિત જયપ્રસાદને તેણે પાવા માંડ્યો. જ્યોત્સ્નાના પ્યાલાને દાંડી હતી. જ્યારે જયપ્રસાદવાળો પ્યાલો દાંડી વગરનો હતો એ પણ જ્યોત્સ્નાએ નિહાળી લીધું. ચાનો સ્વાદ જ્યોત્સ્નાને સારો લાગ્યો કે નહિ એનું તેને ભાન રહ્યું નહિ. ખુલ્લી દેખાતી ગરીબીમાં એક પુત્ર પિતાને કેટલી કાળજી અને કેટલા ભાવથી કેટલી અગવડ વેઠીને ચા પાઈ રહ્યો હતો. એ દૃશ્ય જ્યોત્સ્નાના હૃદયમાં ચોંટી ગયું. પરસ્પર આભાર માની જ્યોત્સ્ના અને સુરેન્દ્ર જયપ્રસાદની ઓરડીમાંથી બહાર નીકળ્યાં. જયપ્રસાદના પુત્રે તો ક્યારનું જોઈ લીધું હતું કે એક અત્યંત ધનિક યુવતી તેની ઓરડીમાં આવી હતી, અને તે ખરેખર કેટલી ધનિક હશે તેનો ખ્યાલ તો બારીએથી તેણે જ્યોત્સ્નાને મોટરકારમાં બેસતી જોઈ ત્યારે સ્પષ્ટ થયો. ગાડી ચાલતાં જ્યોત્સ્નાએ પૂછ્યું :

‘તે તું, સુરેન્દ્ર ! તારી સંધ્યાકાળ આમ જ ગાળે છે શું ?’

‘કેમ એમ પૂછ્યું ! આ બધી તો મારા વૃન્દાવનની કુંજગલીઓ છે. તેં તો બે જ જોઈ. કૃષ્ણ સરખો હું અવતારી પુરુષ નથી, એટલે વૃન્દાવનની બધી જ કુંજગલીમાં હું જિંદગીભર પણ ફરી શકું એમ નથી.’ સુરેન્દ્ર કહ્યું.

‘આ જયપ્રસાદ કોણ ?’

‘એ જયપ્રસાદ એટલે… જેમની આંખ જીવતી રહી હોત તો આજ મહેલોમાં ફરતા હોત એવા એક કમનસીબ સંસ્કારી સજ્જન. આઈ. સી. એસ. ની પરીક્ષા માટે વિલાયત જવાની તૈયારી કરી રહેલા એ ગૃહસ્થની આંખે દગો દીધો, અને આજ તેં જોઈ એવી ઓરડીમાં નિવાસ કરે છે.’

‘તે આવી આંખવિહીન દશામાં પરણ્યા કેમ ?’

‘એ પરણ્યા પછી એમની આંખ ગઈ. તેમનાં માબાપે ધાર્યું કે વિલાયત જતા પુત્રની સલામતી પરણીને જવામાં જ છે. પત્ની તો ગુજરી ગયાં; આટલો પુત્ર છે તો તેમની સંભાળ લે છે.’

‘પુત્ર શું કરે છે ?’

‘મિલમાં મજૂરી. સવારે જાય છે… પિતાને માટે આછુંપાતળું જમવાનું બનાવીને. હવે અત્યારે આવીને તે સંપૂર્ણ જમણ તૈયાર કરશે અને પિતાને જમાડશે.’

‘આટલી મહેનત કરીને પાછી એને રસોઈ કરવી પડશે ?…જમણમાં શું શું બનાવશે ?’

‘તે દાંડી ભાંગેલા પ્યાલા તો જોયા, એ ઉપરથી તું સમજી લે કે