પૃષ્ઠ:Snehashristi.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.




 
બાગ અને પ્રેમ
 

નદીતટનો સદુપયોગ કરતાં આવડે તો એ તટ બગીચો બની જાય છે. મોટે ભાગે ભારતનાં નગરેનગરમાં નદી હોય છે. નદી ન હોય ત્યાં તલાવ-સરોવર પણ હોય. અહીં તો નદીકિનારો હતો. કિનારા ઉપર એક વિશાળ સાર્વજનિક બગીચો હતો. બગીચામાં વૃક્ષોની ઘટા હતી, નીલમ લીલું ઘાસ પથરાયેલું હતું અને પુષ્પક્યારાઓ પણ વેરાયેલા પડ્યા હતા. ઉજાણી માટેની એ આદર્શ જગા. ઉજાણી આપણી પ્રાચીન ઉદ્યાનિકા માટે પ્રજાના મોટા ભાગને હવે ફુરસદ નથી. છતાં પ્રજાનો વિદ્યાર્થીવર્ગ હજી બાગબગીચા અને નદીતટનાં એકાંત શોધી સમૂહઆનંદ કદી કદી લે છે. રજાનો દિવસ હોય, દિવસનો ત્રીજો પ્રહર હોય, મિત્રોનું જૂથ હોય અને એ જુથમાં થોડી વિદ્યાર્થિનીઓ પણ હોય ત્યારે ‘પિકનિક’ના અંગ્રેજી નામ નીચે વિદ્યાર્થીઓને આવા સ્થળ બહુ આનંદ આપી રહે છે.

આ બગીચાનો એવો જ ઉપયોગ થઈ રહ્યો હતો. પંદર-વીસ સંસ્કારી વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ એક વિશાળ ઘટામાં અને ખુલ્લા ઘાસ ઉપર બેઠાં હતાં, ફરતાં હતાં, દોડતાં હતાં, હીંચકા ખાતાં હતાં, હસતાં હતાં અને બેડમિન્ટન પણ રમતાં હતાં. આનંદ નિર્દોષ જ હોય; છતાં એ આનંદમાં અંગત તત્ત્વ ભળે ત્યારે આનંદ દુષિત તો નહિ પરંતુ મર્યાદિત બની જાય ખરો. સમૂહમાં હસતાં રમતાં યુવક-યુવતીઓ વચ્ચેથી લાગ જોઈ કોઈને અલગ થઈ જવું હોય તો તેની સગવડ પણ આવા બગીચાઓમાં મળી શકે ખરી. જોકે એમાં એકાંતભંગ થવાનો પણ ભય પ્રત્યેક ક્ષણે હોય જ. યુવક-યુવતીના સમૂહ એકાંતશોધનનો ઠીકઠીક આગ્રહ રાખે છે, અને લાગ જોઈ એકાંત મેળવે પણ છે. આવો લાગ શોધી સહજ છૂટાં પડેલાં યુવકયુવતીનું એક યુગલ વૃક્ષના વિશાળ થડને ઓથે ઉભું રહ્યું હતું અને વાત કરતું હતું. વાત કરતે કરતે યુવતીએ યુવકનો હાથ પકડ્યો અને પૂછ્યું :

‘મધુકર ! આ વીંટી આપ્યે કેટલા માસ થયા ?’

‘છ માસ તો થયા હશે. શ્રીલતા !… કેમ, એનો અણગમો આવ્યો !