પૃષ્ઠ:Snehashristi.pdf/૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૪
 
ખતપત્ર
 

હીરાજડિત સુવર્ણ બંગડીઓ નિહાળી ગુંડાઓની આંખ ચમકી ઊઠી. સાચુંખોટું ઝવેરાત તથા સોનુંરૂપું ગુંડાઓ પારખી શકે એમ હતું. સુરેન્દ્ર તરફ તેમણે નજર નાખી. જ્યોત્સ્નાને ગુંડાઓની આંખ ઉપરથી લાગ્યું કે તેમને મન સુરેન્દ્ર એક ગણતરીલાયક વ્યક્તિ હોવો જોઈએ. છરો કાઢવાનો પ્રયત્ન કર્યો છતાં એ પ્રયત્નને અધૂરા રાખનાર ગુંડાઓમાં સુરેન્દ્રના બળની કિંમત થતી હોવી જોઈએ, નહિ તો છરો ખેંચનાર ગુંડાને છરો ભોંકી દેતાં જરાયે વાર લાગે નહિ. એ છરાની બીકથી જ જ્યોત્સ્નાએ ઝડપથી પોતાની બંગડીઓ કાઢી આખા પ્રશ્નનો ઉકેલ લાવવાની યોજના કરી હતી. એટલે જ્યોત્સ્નાની એક ખાતરી તો થઈ જ કે સુરેન્દ્રની હાજરી આ સ્થળે અસરકારક નીવડી હતી.

ગુંડાએ એકાએક કહ્યું :

‘પણ આ તમારું ઘરેણું લઈને હું શું કરું ?’

‘કેમ, એમ ? તમારે રોકડા પૈસા જોઈતા હોય તો આ રહ્યું મારું સરનામું, કાલે આવીને પૈસા લઈ જજો.’ જ્યોત્સ્નાએ એને સમજાય એ રીતે આ પ્રશ્નનો નિકાલ લાવવા પ્રયત્ન કર્યો.

‘તમારા જેવા લોકોનો ભાગ્યે જ વિશ્વાસ થાય ! અહીં મને બંગડી આપી તમે પોલીસને ખબર આપો એટલે અમારે નવું ધાંધળ !’

‘પણ મને તમારું નામ કે રહેઠાણ કંઈ જ ખબર નથી. પછી પોલીસને હું ક્યાંથી ખબર આપીશ ?’ જ્યોત્સ્નાએ કહ્યું.

‘આ સુરેન્દ્ર છે ને એને અમારાં નામ અને રહેઠાણ એ બન્નેની ખબર છે.’ એક ગુંડાએ કહ્યું.

‘તે તમે એમ માનો છો કે હું તમને ચોટલાખત કરવા દઈશ… આ ગરીબ લોકોને માર મારવા દઈને ? સાચા પૈસા તમારે મેળવવા હોય તો આ ઘરેણાં લઈને મારી પાસે જ આવજો. ત્યાં સુધી હું તમને અડચણ પણ નહિ કરું અને પોલીસને ખબર પણ નહિ કરું. તમે જાણો છો કે હું પોલીસને ભાગ્યે જ તમારી ખબર આપું છું.’ સુરેન્દ્રે કહ્યું.