લખાણ પર જાઓ

પૃષ્ઠ:Snehashristi.pdf/૯૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ખતપત્ર:૮૫
 


ક્ષણ, બે ક્ષણ ગુંડાઓએ અરસપરસ સામે જોયું અને કંઈક સંતલસ આંખની ભાષામાં કરી લીધી. આ દરમિયાન ગુંડાઓએ પકડેલો પુરુષ અને તેને માટે હોડમાં મંગાતી તેની પત્ની બન્ને ગુંડાઓના હાથમાંથી છૂટાં પડી સુરેન્દ્રની બાજુમાં આવી ઊભાં રહ્યાં હતાં. એકાએક ગુંડાએ કહ્યું :

‘બહુ સારું. બંગડીઓ પાસે રાખીએ છીએ. મંગાને અત્યારે તો જતો કરીએ છીએ, પણ કાલે રોકડ રકમ ન મળી… તો આખો આ વાસ ક્યારે ભડકે બળશે કહેવાય નહિ… આ ભાઈ ગમે એટલાં ફાંફાં મારશે તોય.’ કહી ગુંડાએ સુરેન્દ્ર સામે જોયું અને ત્યાંથી ચાલવા માંડ્યું. તેમને સંભળાય એ રીતે સુરેન્દ્ર કહ્યું :

‘જગપત ! પૈસા પણ જે વાજબી હશે તે મળશે ભૂલતો નહિ.’

તેને સાંભળ્યો ન સાંભળ્યો કરી ગુંડાઓ મેદાન છોડી ચાલ્યા ગયા. મારવા લીધેલો મંગો અને તેની પત્ની બંને જ્યોત્સ્ના અને સુરેન્દ્રને પગે પડ્યાં. મંગાએ તો કહ્યું પણ ખરું :

‘ભાઈ ! તમે વખતસર આવી ન પહોંચ્યા હોત તો આજ અમારો મરો જ હતો.’

‘શું મંગા ! તુંયે વાત કરે છે ? આટઆટલા ટોળામાં તમે ભેગા થાઓ છો અને બે જ ગુંડા તમને મારી જાય છે ? તમારે શરમાવું જોઈએ.’ સુરેન્દ્રે કહ્યું. અને તેણે આગળ ચાલવા માંડ્યું.

‘શું કરીએ, બાપુજી ? અમને ગરીબીએ મારી મૂકેલા છે. નહિ તો મગદૂર છે…’ મંગાએ કહ્યું; અને ટોળામાં વાતચીતો ચાલી અને ઘોંઘાટ વધી ગયો. સુરેન્દ્રને તો લોકો ઓળખતા હોય એમ લાગ્યું; પણ સુરેન્દ્ર સાથે આવેલી જ્યોત્સ્નાનો શ્રીમંતાઈભર્યો પહેરવેશ અને તેનું ઉદાર વર્તન સહુની વાતચીતનો વિષય બની ગયાં. એ રહેઠાણનાં છોકરાં તો એકાએક દોડીને જ્યોત્સ્નાની કારની આગળ પાછળ વીંટળાઈ વળ્યાં અને કલબલાટ કરવા મંડી ગયાં અને સુરેન્દ્ર અને જયોત્સ્ના બંને ઝડપથી ગાડીમાં બેસી ગયાં અને જયોત્સ્નાએ કારને ઝડપથી આગળ લીધી. ટોળું સહજ દૂર થયું અને મેદાનનું સહજ એકાંત મળ્યું એટલે જ્યોત્સ્નાએ પૂછ્યું :

‘સુરેન્દ્ર ! ચોટલાખત એટલે શું ?’

‘કહીશ કોઈ દિવસ’ સુરેન્દ્રે વાત ટાળવા માટે ટૂંકો જવાબ આપ્યો.

‘એવાં ખત કાયદેસર ગણાય ખરાં ?’

જ્યોત્સ્ના એનો અર્થ ન સમજી હોય એમ લાગ્યું નહિ.

‘ના પરંતુ આપણા કાયદા ઘડનારાઓએ એટલા કાયદા ઘડ્યા છે કે