પૃષ્ઠ:Snehashristi.pdf/૯૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬:સ્નેહસૃષ્ટિ
 

આપણાથી કાંઈ પણ કાયદેસર થઈ શકતું નથી.’

‘પેલાં બે જણ પતિપત્ની હતાં ?’

‘હા, જો એવા બહુ સંસ્કારી શબ્દો એમને માટે વાપરીએ તો.’

‘પતિથી દેવાના પૈસા ન અપાય તો પત્ની લેણદારને સોંપવી પડે એનું નામ ચોટલાખત ને ?’ જ્યોત્સ્નાએ પૂછ્યું.

‘જ્યોત્સ્ના ! તું હવે એ વિચારમાંથી બીજા વિચારમાં આવ.’ સુરેન્દ્રે સલાહ આપી.

‘આવું કદી આપણે ત્યાં ઈતિહાસમાં બન્યું છે ખરું ?’

‘હા, હરિશ્ચન્દ્રે તારામતીને વેચી હતી. પાંડવો દ્રૌપદીને હોડમાં મૂકી હારી ગયા હતા…

‘પણ પરિણામે તો મહાભારત રચાયું ને ?’

‘એવાં તો કંઈક મહાભારતો આપણા જીવનમાં રચાયે જાય છે. સત્યનો જય થતો નથી અને પાપનો ક્ષય થતો નથી. એ મહાભારતને આપણે ભૂલી જઈએ. અને તું એ વાત ભૂલી જઈ મને મારે ઘેર ઉતારી દે અને બંગલે ચાલી જા તારી રાહ જોવાતી હશે.’ સુરેન્દ્રે કહ્યું.

‘હરકત નહિ, પરંતુ સુરેન્દ્ર ! તને આ લોકો બધા ઓળખતા લાગ્યા.’

‘હા. હું આ “સોસાયટી” માં જ ફરું છું. કહેવાતી ઉચ્ચ “સોસાયટી” મને ગમતી નથી અને ફાવતી નથી.’

‘કારણ ?’

‘એ ઉચ્ચ “સોસાયટી” - એ ઉપલો થર આ નીચલો થર સર્જે છે અને તેમના થરમાં સ્મશાન ઉપજાવી પોતાની આસપાસ બંગલાઓ, મહેલો અને બાગબગીચાઓ રચે છે.’

‘હું પણ એમ જ રહું છું !’

‘હવે આ વાત આપણે બાજુએ મૂકીએ. મારું ઘર પણ આવી ગયું છે અને હવે મારી જોડે આવવાનો છે આગ્રહ ન કરીશ.’

‘મારી તો ઇચ્છા છે કે હું તને ક્ષણભર પણ એકલો ન મૂકું અને તું જ્યાં જાય ત્યાં હું તારી સાથે જ રહું.’ જ્યોત્સ્નાએ કહ્યું.

સુરેન્દ્ર આછું હસ્યો અને કાંઈ પણ જવાબ આપ્યા સિવાય બેસી રહ્યો. ગાડી જોતજોતામાં સુરેન્દ્રના ઘર પાસે આવી ગઈ. સુરેન્દ્ર ત્યાં ઊતરી પડ્યો. અંધારું થઈ ગયું હતું, દીવા ચારે બાજુએ ચમક ચમક થતા હતા અને જ્યોત્સ્ના પણ પ્રકાશમાં પોતાને બંગલે આવી ગઈ. માતાપિતાએ તેને સહજ ટોકી પણ ખરી કે આજ તે જરા મોડી થઈ હતી. સામાન્ય શિષ્ટતા